તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
NEET UG અને TAT પરીક્ષાનો જંગ: 22.79 લાખ વિદ્યાર્થીઓ 3 મે એ દેશભરમાં આપશે પરીક્ષા, પ્રવેશ નિયમો જાણો : પ્રવેશપત્ર સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત*
NEET UG 2026 માટે 22,79,743 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી, ગયા વર્ષ કરતા 3,000 વધુ; NTAએ ‘ઝીરો લીક પોલિસી’ હેઠળ AI સર્વેલન્સ, બાયોમેટ્રિક ચેક અને 4 લેયર CCTV સુરક્ષા ગોઠવી

નવી દિલ્હી તા.30 : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026નું આયોજન 3 મે 2026, રવિવારના રોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન એક જ શિફ્ટમાં કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ આ વર્ષે કુલ 22,79,743 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે, જે ગયા વર્ષે 22.76 લાખ હતી તેની સરખામણીમાં લગભગ 3,000નો વધારો દર્શાવે છે. આ વર્ષે MBBSની સીટોમાં મોટો વધારો થવાની શક્યતા છે, કારણ કે નેશનલ મેડિકલ કમિશનને નવી મેડિકલ કોલેજો શરૂ કરવા અને હાલની કોલેજોમાં સીટ વધારવા માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી છે. હાલ દેશમાં 1.29 લાખ MBBS સીટ ઉપલબ્ધ છે.
NTAએ 26 એપ્રિલે પરીક્ષા માટેના પ્રવેશપત્ર જાહેર કરી દીધા છે. પરીક્ષા દેશભરના 552 શહેરોમાં આવેલા 5,446 પરીક્ષા કેન્દ્રો ઉપરાંત વિદેશના 14 કેન્દ્રો પર પણ લેવાશે. NTAએ દાવો કર્યો છે કે 99.2 ટકા ઉમેદવારોને તેમના પ્રથમ પસંદગીના શહેરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે, જેથી મુસાફરીનો તણાવ ઓછો થાય. પરીક્ષા પેન-પેપર એટલે કે ઓફલાઇન મોડમાં લેવાશે. પ્રશ્નપત્રમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના કુલ 180 ફરજિયાત પ્રશ્નો રહેશે. દરેક સાચા જવાબ માટે 4 ગુણ મળશે જ્યારે ખોટા જવાબ માટે 1 ગુણ કપાશે. કુલ 720 ગુણનું પેપર રહેશે, જેમાં બાયોલોજીના 360, ફિઝિક્સના 180 અને કેમિસ્ટ્રીના 180 ગુણ હશે.
આ વર્ષે NTAએ પરીક્ષાને લીકપ્રૂફ બનાવવા ‘ઝીરો લીક પોલિસી’ અપનાવી છે. સમગ્ર પરીક્ષા AI સર્વેલન્સ, બાયોમેટ્રિક વેરિફિકેશન અને ચાર સ્તરીય CCTV નિગરાની હેઠળ લેવાશે. પ્રશ્નપત્રોની સુરક્ષા માટે ટ્રેક્ડ કસ્ટડી સિસ્ટમ ગોઠવાઈ છે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશપત્રની સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, માન્ય ફોટો ID, પાસપોર્ટ સાઈઝ અને પોસ્ટકાર્ડ સાઈઝ ફોટો સાથે લાવવાનો રહેશે. પ્રવેશપત્રમાં દર્શાવેલા રિપોર્ટિંગ સમયે કેન્દ્ર પર પહોંચવું ફરજિયાત છે. સવારે 11 વાગ્યાથી પ્રવેશ શરૂ થશે અને બપોરે 1:30 વાગ્યે ગેટ બંધ થઈ જશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં. 1:45 વાગ્યે ટેસ્ટ બુકલેટ વહેંચાશે અને 2 વાગ્યે પરીક્ષા શરૂ થશે.
NTAએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ટેકનિકલ ખામીને કારણે ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન ન થઈ શકે તો પણ તેને પરીક્ષા આપવા દેવામાં આવશે. આવા સંજોગોમાં ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર આપવામાં આવેલ ફોર્મેટમાં લેખિત બાંહેધરી આપવાની રહેશે. આ ઉપરાંત NTAએ ખોટા પેપર લીકના દાવા કરતા સોશિયલ મીડિયા મેસેજથી સાવધાન રહેવા સૂચના આપી છે અને આવી અફવાઓ સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે.
પરીક્ષા ફીનું માળખું પણ યથાવત રાખવામાં આવ્યું છે. સામાન્ય કેટેગરી માટે 1700 રૂપિયા, જનરલ-EWS/OBC-NCL માટે 1600 રૂપિયા અને SC/ST/PwBD/થર્ડ જેન્ડર માટે 1000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. વિદેશથી અરજી કરનારે 9500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. આ ઉપરાંત સરકારે 2 અને 3 મેના રોજ મેડિકલ કોલેજોમાં રજા ન આપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી પરીક્ષા દરમિયાન પૂરતો સ્ટાફ ઉપલબ્ધ રહે. પરિણામ જૂન મહિનાના મધ્યમાં જાહેર થવાની શક્યતા છે અને ત્યારબાદ જુલાઈના અંતમાં કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. NEET UG સ્કોરના આધારે MBBS, BDS, આયુર્વેદ, યુનાની, સિદ્ધા અને વેટરનરી કોર્સમાં પ્રવેશ મળશે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
