<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

NEET-UG 2026 બનશે અભેદ્ય કિલ્લો: ફેસિયલ રેકગ્નિશનથી લઈ 5G જામર સુધી, પેપર લીક રોકવા માટે NTA નો 'મેગા પ્લાન' તૈયાર

22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા; AI કેમેરા શંકાસ્પદ હિલચાલ પર રાખશે નજર અને GPS ટ્રેકિંગ સાથે પહોંચશે પ્રશ્નપત્રો – જાણો આ વર્ષે શું બદલાયું

નવી દિલ્હી : નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) 2026 ના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આ વખતે પરીક્ષાને 'લીક-પ્રૂફ' બનાવવા માટે આકાશ-પાતાળ એક કર્યા છે. વર્ષ 2024 ના પેપર લીક વિવાદ બાદ ડઘાયેલી એજન્સીએ આ વખતે રજિસ્ટ્રેશનથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષાનું એવું મલ્ટી-લેયર્ડ માળખું તૈયાર કર્યું છે કે જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવી લગભગ અશક્ય બની જશે. 3 મે, 2026 ના રોજ યોજાનારી આ પરીક્ષા માટે દેશ-વિદેશમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બાયોમેટ્રિક અને AI દેખરેખનું કડક કવચ
આ વખતે ઓળખની ચોરી રોકવા માટે આધાર-આધારિત વેરિફિકેશન ઉપરાંત 'ફેસિયલ રેકગ્નિશન' (ચહેરો ઓળખવાની ટેકનિક) નો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષા હોલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સજ્જ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે માત્ર રેકોર્ડિંગ જ નહીં કરે, પણ જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ હિલચાલ કે સંકેતો કરશે તો તુરંત કંટ્રોલ રૂમને એલર્ટ મોકલશે. આ ઉપરાંત, હાઈ-ફ્રિકવન્સી 5G જામર પણ લગાવવામાં આવ્યા છે જે બ્લૂટૂથ અને મોબાઈલ નેટવર્કને સંપૂર્ણપણે બ્લોક કરી દેશે.
ડિજિટલ લોક અને GPS ટ્રેકિંગ
પ્રશ્નપત્રોની સુરક્ષા માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. પેપર લઈ જતી ગાડીઓનું સતત GPS ટ્રેકિંગ કરવામાં આવશે. પ્રશ્નપત્રોના પેકેટ પર ડિજિટલ લોક લગાવવામાં આવ્યા છે, જે માત્ર નિર્ધારિત સમયે અને અધિકૃત પરીક્ષા કેન્દ્રો પર જ ખુલશે. આ ઉપરાંત, પ્રશ્નપત્રોને પોલીસ એસ્કોર્ટ હેઠળ ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે જેથી રસ્તામાં કોઈ છેડછાડ ન થઈ શકે.
કડક ડ્રેસ કોડ અને ફ્રિશકિંગ
વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. અડધી બાયના હળવા કપડાં અને માત્ર સ્લીપર કે સેન્ડલ પહેરીને જ પ્રવેશ મળશે. શૂઝ, ઘડિયાળ કે કોઈ પણ પ્રકારના જ્વેલરી પર પ્રતિબંધ છે. ધાર્મિક પોશાક પહેરતા ઉમેદવારોએ વધારાની સુરક્ષા તપાસ માટે વહેલા રિપોર્ટિંગ કરવાનું રહેશે. મેટલ ડિટેક્ટર અને ડિજિટલ સ્કેનિંગ દ્વારા વિદ્યાર્થીઓની એકથી વધુ વખત તપાસ કરવામાં આવશે.
આગામી 3 મેના રોજ બપોરે 2:00 થી 5:00 દરમિયાન યોજાનારી આ પરીક્ષામાં 22.79 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. NTA એ સ્પષ્ટ કર્યું છે કે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) ની નીતિ હેઠળ કોઈ પણ ગેરરીતિ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષાની ગરિમા જાળવી રાખવા માટે આ વખતે ટેકનોલોજી અને માનવ સંસાધનનો મહત્તમ ઉપયોગ કરીને સુરક્ષા ચક્ર રચવામાં આવ્યું છે.

(8:51 PM IST)