<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

NEET UG ૨૦૨૬ પુનઃપરીક્ષા પર કેન્દ્ર સરકાર એક્શન મોડમાં! ૨૧ જૂનની કસોટી પહેલાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લીધી હાઈ-લેવલ બેઠક, ગેરરીતિ રોકવા ઘડાયો લોખંડી પ્લાન

પરીક્ષામાં સહેજ પણ ખામી ચલાવી લેવાશે નહીં; વિદ્યાર્થીઓને મળશે મફત બસ સેવા અને તબીબી સહાય, દેશભરના કેન્દ્રો પર NTA ના ખાસ કમાન્ડો અને ગુપ્તચર એજન્સીઓ રાખશે બાજ નજર.

નવી દિલ્હી : દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી NEET UG ૨૦૨૬ ની પુનઃપરીક્ષા આગામી ૨૧ જૂને યોજાવા જઈ રહી છે. આ હાઈ-પ્રોફાઈલ પરીક્ષાને સંપૂર્ણપણે પારદર્શી, ન્યાયી અને વિવાદમુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં શિક્ષણ મંત્રાલય, વિવિધ રાજ્ય સરકારો, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં મંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે પરીક્ષા પ્રક્રિયામાં પ્રામાણિકતા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે તમામ એજન્સીઓએ ચોવીસ કલાક સતર્ક રહેવું પડશે.

ગ્રાઉન્ડ લેવલ પર લોખંડી સુરક્ષા: કમાન્ડ સેન્ટર રાખશે નજર

આ વખતે પરીક્ષાની સુરક્ષા અને લોજિસ્ટિક્સમાં કોઈ કસર છોડવામાં આવી નથી. કેન્દ્ર સરકાર દ્વારા ખાસ નિયુક્ત કરાયેલા ઉચ્ચ અધિકારીઓને સીધા જ રાજ્યોમાં ગ્રાઉન્ડ લેવલ પર તૈનાત કરવામાં આવશે. આ તમામ અધિકારીઓ NTA ના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહના સીધા નેતૃત્વ હેઠળ કામ કરતા કેન્દ્રીય 'કમાન્ડ સેન્ટર' ને પળેપળનો રિપોર્ટ સોંપશે. પેપર લીક કે અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે NTA દ્વારા દરેક જિલ્લાના મેજિસ્ટ્રેટ, રાજ્ય પોલીસ વડા અને ગુપ્તચર એજન્સીઓ (Intelligence Agencies) ની સંયુક્ત સંકલન સમિતિઓ કાર્યરત કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત વાતાવરણ અને વિશેષ સવલતો

શિક્ષણ મંત્રીએ તમામ રાજ્યોના નોડલ અધિકારીઓને કડક સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ કોઈપણ ભય કે તણાવ વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. શાળા શિક્ષણ વિભાગના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને દરેક પરીક્ષા કેન્દ્ર પર પૂરતી બેઠક વ્યવસ્થા, ઠંડા પીવાના પાણીની સુવિધા અને અન્ય મૂળભૂત સુવિધાઓ ફરજિયાતપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

"અમારો એક જ ઉદ્દેશ્ય છે– પરીક્ષાની પવિત્રતા જાળવવી અને વિદ્યાર્થીઓને મુશ્કેલીમુક્ત અનુભવ આપવો. સક્રિય સંકલન અને નિર્ધારિત પ્રોટોકોલનું કડક પાલન એ જ આ પુનઃપરીક્ષાની સફળતાની ચાવી છે."

— વિનીત જોશી (સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગ)

હાઇબ્રિડ મોડમાં ૨૨૨ દિગ્ગજોનું મંથન: રાજ્યો દ્વારા મોટી જાહેરાતો

આ મહત્વપૂર્ણ બેઠકમાં ઓનલાઈન અને ઓફલાઈન (હાઈબ્રિડ) માધ્યમથી કુલ ૨૨૨ ઉચ્ચ અધિકારીઓ, વાઇસ ચાન્સેલરો અને વિવિધ સંસ્થાઓના ડિરેક્ટરોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને કોઈ આર્થિક કે લોજિસ્ટિકલ તકલીફ ન પડે તે માટે વિવિધ રાજ્ય સરકારોએ વિદ્યાર્થીઓ માટે મફત ખાસ બસ સેવાઓ, એસટી બસ ભાડામાં સંપૂર્ણ છૂટછાટ અને તાત્કાલિક તબીબી સહાય (Medical Aid) માટે પરીક્ષા કેન્દ્રોની બહાર ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવાની જાહેરાત કરી દીધી છે. તમામ સહભાગીઓએ કેન્દ્ર સરકારને ખાતરી આપી છે કે ૨૧ જૂનની આ પરીક્ષા દેશભરમાં એક મિસાલ બનશે.

(5:50 PM IST)