તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
NEET પેપર લીક: પુણેના બ્યુટી પાર્લર સુધી પહોંચ્યા તપાસના તાર, મનીષા વાઘમારેની અટકાયત!
મેડિકલ કન્સલ્ટન્સીના બહાને ચાલતું હતું પેપર લીકનું મોટું નેટવર્ક: ડૉક્ટર પતિ અને બ્યુટી પાર્લર ચલાવતી પત્નીની શંકાસ્પદ ભૂમિકા : સીબીઆઈએ જપ્ત કર્યા લેપટોપ અને મોબાઈલ ફોન

પુણે : NEET-UG ૨૦૨૬ પેપર લીક કેસની તપાસમાં સીબીઆઈ અને પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક સનસનાટીભર્યું ઓપરેશન પાર પાડ્યું છે. પુણેના સુખસાગર નગર વિસ્તારમાંથી મનીષા વાઘમારે નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે, જે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પકડાયેલી પ્રથમ મહિલા આરોપી મનાય છે. મનીષા વ્યવસાયે બ્યુટી પાર્લર ચલાવે છે અને તેનો પતિ ડેન્ટિસ્ટ છે. તપાસમાં બહાર આવ્યું છે કે મનીષા સીધી રીતે આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા ધનંજય લોખંડેના સંપર્કમાં હતી. તે એવા વિદ્યાર્થીઓની શોધમાં હતી જેઓ પેપર ખરીદવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર હોય. સીબીઆઈએ તેના ઘરેથી લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરીને કૌભાંડના ઊંડા મૂળ શોધવાની તજવીજ હાથ ધરી છે.
આ સમગ્ર નેટવર્કનો ખુલાસો નાસિકથી પકડાયેલા ડૉ. શુભમ ખૈરનારની પૂછપરછ દરમિયાન થયો હતો. શુભમે કબૂલાત કરી હતી કે તેને પેપરની પીડીએફ (PDF) ફાઈલ ધનંજય લોખંડે પાસેથી મળી હતી. ધનંજય પોતે બીએએમએસ (BAMS) ડૉક્ટર છે અને પુણેના વાઘોલી વિસ્તારમાં પ્રેક્ટિસ કરવાની સાથે સાથે મેડિકલ પ્રવેશ માટે કન્સલ્ટન્સી સેવાઓ પણ આપતો હતો. આ કન્સલ્ટન્સીના ઓઠા હેઠળ તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતો અને લાખો રૂપિયામાં પેપરનો સોદો કરતો હતો. સીબીઆઈને શંકા છે કે ધનંજય આ આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર છે અને તેની કડીઓ અન્ય રાજ્યોના શિક્ષણ માફિયાઓ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે.
હાલમાં સીબીઆઈ મનીષા અને ધનંજય વચ્ચેના આર્થિક વ્યવહારોની તપાસ કરી રહી છે. જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોમાંથી એજન્સીને અનેક મહત્વના પુરાવા મળવાની આશા છે. આ કેસમાં જે રીતે મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલા લોકોના નામ સામે આવી રહ્યા છે, તેનાથી મેડિકલ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સીબીઆઈના અધિકારીઓ માને છે કે આ તો માત્ર હિમશિલાની ટોચ છે (Tip of the iceberg) અને આગામી દિવસોમાં મહારાષ્ટ્રના અન્ય શહેરોમાંથી પણ મોટી ધરપકડો થઈ શકે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા આ 'વ્હાઈટ કોલર' ગુનેગારો સામે હવે ગાળિયો મજબૂત થઈ રહ્યો છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
