<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

NEET પેપર ૫ લાખ રૂપિયામાં ખરીદાયું!

CBIએ ખુલાસો કર્યો - ૧૩૨ માંથી ૧૧૧ પ્રશ્નો મૂળ પેપર સાથે મેળ ખાય છે : લાતુર સ્‍થિત કોચિંગ સેન્‍ટરના માલિક શિવરાજ મોટેગાંવકરે પેપર માટે પી.વી. કુલકર્ણીને ૫ લાખ રૂપિયા ચૂકવ્‍યા હતાઃ કુલકર્ણીના વર્ગમાંથી લીક થયેલા પ્રશ્નોના ફોટા મળી આવ્‍યા છે

નવી દિલ્‍હી,તા.૧૬:  NEET (UG) ૨૦૨૬ પેપર લીક કેસમાં CBIએ મોટો ખુલાસો કર્યો છે. તપાસ એજન્‍સીએ ખાસ કોર્ટને જણાવ્‍યું હતું કે લાતુર સ્‍થિત કોચિગ સેન્‍ટરના માલિક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરે પરીક્ષા પેનલના સભ્‍યને ૫ લાખ રૂપિયા ચૂકવ્‍યા હતા.

CBIએ મોટેગાંવકરની જામીન અરજીનો વિરોધ કર્યો. એજન્‍સીએ માહિતી આપી કે આ રકમ NTAના પેનલના રસાયણશાસ્‍ત્રના પેપર સેટર પી.વી. કુલકર્ણીને પરીક્ષા પહેલા રસાયણશાસ્‍ત્રના પ્રશ્નો મેળવવા માટે આપવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્‍યું કે મોટેગાંવકરે અન્‍ય આરોપીઓ સાથે કાવતરું રચ્‍યું હતું અને પરીક્ષા પહેલાં લીક થયેલા રસાયણશાસ્‍ત્રના પ્રશ્નો મેળવ્‍યા હતા.

મોટેગાંવકરનો પુત્ર કુલકર્ણીના રસાયણશાષના ટ્‍યુટોરીયલ ક્‍લાસમાં ગયો હતો, જ્‍યાં આ પ્રશ્નો પૂરા પાડવામાં આવ્‍યા હતા. મોટેગાંવકરે કુલકર્ણીના વર્ગમાંથી આ પ્રશ્નોની હસ્‍તલિખિત નોંધો તૈયાર કરી હતી. સીબીઆઈએ મોટેગાંવકરનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. ફોનની તપાસ કરતાં ૩૬ ફોટોગ્રાફસ મળી આવ્‍યા હતા. આ ફોટોગ્રાફસમાં ૧૩૨ હસ્‍તલિખિત રસાયણશાષના પ્રશ્નો હતા, જેમાંથી પાંચ ડુપ્‍લિકેટ હતા.

સીબીઆઈના જણાવ્‍યા અનુસાર, જ્‍યારે આ ૧૩૨ પ્રશ્નો મેળ ખાતા હતા, ત્‍યારે તેમાંથી ૧૧૧ NEET-2026 માટે NTA દ્વારા તૈયાર કરાયેલા મુખ્‍ય પ્રશ્ન સેટ સાથે બરાબર મેળ ખાતા હતા.

સીબીઆઈએ કોર્ટને જણાવ્‍યું હતું કે મોબાઇલ ફોનમાંથી મળેલી નોટ્‍સ મોટેગાંવકરના હસ્‍તલિખિતમાં હતી. ફોનના ડેટા અને મેટાડેટાના વિશ્‍લેષણથી જાણવા મળ્‍યું છે કે આ ફોટા ૩ મેના રોજ યોજાયેલી NEET પરીક્ષાના આશરે ૧૦ દિવસ પહેલા લેવામાં આવ્‍યા હતા.

NEET (UG) પરીક્ષા ૩ મેના રોજ દેશભરમાં યોજાઈ હતી. જોકે, પેપર લીકના આરોપો અને વ્‍યાપક હોબાળાને પગલે, NTA એ ૧૨ મેના રોજ પરીક્ષા સંપૂર્ણપણે રદ કરી દીધી હતી. ત્‍યારબાદ NEET પરીક્ષા ૨૧ જૂનના રોજ ફરીથી શેડ્‍યૂલ કરવામાં આવી હતી. CBI એ આ કેસના સંદર્ભમાં અત્‍યાર સુધીમાં ૧૩ લોકોની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓ હાલમાં ન્‍યાયિક કસ્‍ટડી હેઠળ જેલમાં છે.

(10:25 AM IST)