તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
NEET વિવાદઃ રાજનાથ સિંહના નિવાસે ઉચ્ચસ્તરીય બેઠકઃ પેપર લીક કાંડમાં સરકારનો ‘એક્શન પ્લાન'
શિક્ષણ મંત્રી અને PMOના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં NTA ચીફની આકરી પૂછપરછ

નવી દિલ્હી, તા.૨૮: NEET-UG પેપર લીક મામલે દેશભરમાં મચેલા હોબાળા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત PMOના ટોચના અધિકારીઓની એક કટોકટી બેઠક મળી હતી. આ બેઠકમાં NTAના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહને ખાસ સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા, જ્યાં પરીક્ષામાં થયેલી ગંભીર ગેરરીતિઓ અને પારદર્શિતાના અભાવ અંગે તેમની પાસેથી સીધો જવાબ માંગવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના આક્રોશ અને વિપક્ષના પ્રહારો વચ્ચે સરકાર હવે પરીક્ષા પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે.
CBIની તપાસમાં આ કૌભાંડના ચોંકાવનારા સ્તરો ખુલી રહ્યા છે, જેમાં પુણેના કેમિસ્ટ્રી પ્રોફેસર પી.વી. કુલકર્ણીને મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. તપાસમાં બહાર આવ્યું છે કે કુલકર્ણી અગાઉ ફવ્ખ્માં વિષય નિરીક્ષક તરીકે કાર્યરત હતા અને તેમણે આ પદનો દુરુપયોગ કરીને પેપર સુધી પહોંચ મેળવી હતી. અત્યાર સુધીમાં લાતુરના ડોક્ટરો અને પુણેના શિક્ષકો સહિત કુલ ૧૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બેઠકમાં CBI દ્વારા એકત્ર કરાયેલા પુરાવાઓ અને NTA સાથે સંકળાયેલા ભેજાબાજોની સંડોવણી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જે આગામી સમયમાં મોટા વહીવટી ફેરફારોના સંકેત આપે છે.
૩ મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ થયા બાદ લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ છે, ત્યારે આ ઉચ્ચ સ્તરીય બેઠકનો મુખ્ય હેતુ ભવિષ્યની રણનીતિ નક્કી કરવાનો છે. સરકાર હવે ટેકનોલોજી આધારિત પરીક્ષા અને મજબૂત પ્રોટોકોલ દ્વારા પેપર લીકની ઘટનાઓ રોકવા માટે નવો રોડમેપ તૈયાર કરી રહી છે. PMOના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જવાબદાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આ બેઠકના તારણો બાદ ટૂંક સમયમાં NEET પરીક્ષાના નવા માળખા અને સુરક્ષા વ્યવસ્થા અંગે સરકાર મોટી જાહેરાત કરી શકે છે, જેથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરી જીતી શકાય
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
