<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

NEET 2026 ની પરીક્ષા રદ્દ:પેપર લિકની આશંકાને પગલે લેવાયો નિર્ણય

3 મે 2026ના રોજ લેવાઇ હતી પરીક્ષા:પેપર લીક અંગે CBI કરશે તપાસ :લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતા

નવી દિલ્હી :દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET-UG 2026ની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પેપર લીકની આશંકાઓને પગલે NEET 2026ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, NEET 2026ની પરીક્ષા ગત 3 મે 2026 ના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદથી જ પેપર લીક થવાની ફરિયાદો ઉઠી રહી હતી. શરૂઆતમાં નકાર્યા બાદ, પુરાવાઓ સામે આવતા આખરે સરકારે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરવાનો કડક નિર્ણય લેવો પડ્યો છે.

 

પેપર લીકની આ ઘટના કેટલી મોટી છે અને તેમાં કોની સંડોવણી છે તેની તપાસ માટે હવે CBI ને જવાબદારી સોંપવામાં આવી છે. CBI આ મામલે FIR નોંધીને દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા પેપર લીક માફિયાઓના નેટવર્કને તોડવા માટે તપાસ શરૂ કરશે.

 

પરીક્ષા રદ થવાને કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. હવે નવી પરીક્ષાની તારીખ ક્યારે જાહેર થશે અને પ્રવેશ પ્રક્રિયામાં કેટલો વિલંબ થશે તેને લઈને વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ છે.

(1:30 PM IST)