<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

નીમ કરોલી બાબા પર બનેલી 'હનુમાન અંશ' સુપરહિટ: શરૂઆતના સુસ્ત પ્રદર્શન બાદ અકલ્પનીય કમબેક કર્યું

નીમ કરોલી બાબા પર આધારિત કોઈ પણ પ્રમોશન વગર માત્ર 2 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે શરૂઆતના નબળું પ્રદર્શન બાદ સુપરહિટ થઇ : 23 દિવસમાં 27 કરોડથી વધુની કમાણી કરીને વિશાલ ચતુર્વેદી દિગ્દર્શિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો

મુંબઈ :બોક્સ ઓફિસ પર ક્યારે ચમત્કાર સર્જાય તે કોઈ કહી શકતું નથી. નીમ કરોલી બાબાના દિવ્ય જીવન પર બનેલી ફિલ્મ 'હનુમાન અંશ' 7 ઓગસ્ટના રોજ કોઈપણ મોટા પ્રમોશન વગર શાંતિથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. શરૂઆતના બે સપ્તાહમાં સાવ સુસ્ત રહ્યા બાદ, ફિલ્મ સુપર હીટ સાબિત થઈ છે અને માત્ર 2 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે 23 દિવસમાં 27 કરોડથી વધુની ઐતિહાસિક કમાણી કરી લીધી છે.

 

સિનેમા જગતમાં ઘણીવાર એવું બને છે કે જે ફિલ્મ પાસેથી કોઈ અપેક્ષા ન હોય તે ઇતિહાસ રચી દે છે. 'હનુમાન અંશ' જ્યારે સિનેમાઘરોમાં લાગી ત્યારે પહેલા દિવસે માત્ર 10 લાખ રૂપિયાનું કલેક્શન થયું હતું. પ્રથમ બે અઠવાડિયા સુધી થિયેટરો ખાલી રહેતા ફિલ્મે માત્ર 1.48 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. મોટાભાગના થિયેટર માલિકો તેને ફ્લોપ માનીને શો ઘટાડી રહ્યા હતા, પરંતુ ત્રીજા અઠવાડિયે અચાનક માઉથ પબ્લિસિટીના જોરે સ્થિતિ પલટાઈ ગઈ હતી. ત્રીજા સપ્તાહમાં ફિલ્મે સીધા 10.40 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને સૌને ચોંકાવી દીધા હતા. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર ફિલ્મનું નિર્માણ માત્ર ૨ કરોડ રૂપિયાના સામાન્ય બજેટમાં કરવામાં આવ્યું હતું.

 

ફિલ્મનું નિર્દેશન વિશાલ ચતુર્વેદીએ કર્યું છે, જ્યારે મહારાજ જી (નીમ કરોલી બાબા)ના પવિત્ર પાત્રમાં અભિનેતા શોભિનાવ સત્યાએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. આ ઉપરાંત વિહાન શેજ, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ રાસ્તોગી, ગુલશન પાંડે, ભગવાનદાસ પટેલ અને રાજીવ મિશ્રા જેવા કલાકારોએ પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મની અભૂતપૂર્વ સફળતા જોઈને મુખ્ય અભિનેતા શોભિનાવ સત્યાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને દર્શકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, "દર્શકોએ જે નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો છે તે સાચે જ મહારાજ જીનો આશીર્વાદ છે."

 

સોશિયલ મીડિયા પર ચાહકો એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે BookMyShow જેવા અગ્રણી ટિકિટ પ્લેટફોર્મ પર 'હનુમાન અંશ'નું રિયલ-ટાઇમ બુકિંગ મોટા બજેટની અન્ય બિગ-ટિકિટ ફિલ્મોની સમકક્ષ પહોંચી ગયું છે. ટ્રેડ એનાલિસ્ટ્સ માને છે કે આધ્યાત્મિક અને સત્યઘટના આધારિત સિનેમા જો યોગ્ય સંવેદનશીલતા સાથે બનાવવામાં આવે તો કન્ટેન્ટ હંમેશા સ્ટાર પાવર પર ભારે પડે છે. થિયેટરોમાંથી ઉતરી જવાની અણી પર રહેલી ફિલ્મનું આ સ્તરનું કલેક્શન ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક દુર્લભ ઉદાહરણ બની ગયું છે.

(9:06 PM IST)