<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

NDAનો માસ્ટરપ્લાન: મહિલા અનામત બિલ રોકનાર વિપક્ષી નેતાઓ હવે જનતાની અદાલતમાં ઘેરાશે!

સંસદમાં બિલ પડતું મુકાતા રાજકીય ભૂકંપ : જેપી નડ્ડા અને નીતિન નવીનની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય : વિપક્ષના ગઢમાં જઈને NDA 'કાળા રહસ્યો' ખુલ્લા પાડશે : 2029ની ચૂંટણી પહેલા આરપારની જંગના એંધાણ

નવી દિલ્હી : ભારતીય લોકશાહીના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે 'બંધારણ (131મો) સુધારો બિલ, 2026' લોકસભામાં જરૂરી બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું. 2029ની ચૂંટણીથી મહિલાઓને 33 ટકા અનામત આપવાના આ ઐતિહાસિક બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મતો પડ્યા હતા. બંધારણીય સુધારા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે બિલ પસાર થઈ શક્યું નથી. આ ઘટનાએ દેશભરની મહિલાઓમાં રોષ પેદા કર્યો છે, જ્યારે સત્તાધારી પક્ષ NDA એ આ માટે વિપક્ષના નકારાત્મક વલણને જવાબદાર ઠેરવ્યું છે.

બિલ નિષ્ફળ જતાં જ NDA છાવણી એક્શન મોડમાં આવી ગઈ છે. જેપી નડ્ડા, નીતિન નવીન અને અનુપ્રિયા પટેલ જેવા દિગ્ગજ નેતાઓની ફ્લોર લીડર બેઠકમાં એક અત્યંત આક્રમક યોજના તૈયાર કરવામાં આવી છે. NDA હવે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરીને જનતાને જણાવશે કે કેવી રીતે વિપક્ષી ગઠબંધને મહિલાઓના અધિકારો પર તરાપ મારી છે. આ બેઠકમાં લેવાયેલો સૌથી ચોંકાવનારો નિર્ણય એ છે કે જે વિપક્ષી સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો છે, NDA તેમના જ મતવિસ્તારમાં જઈને વિરોધ પ્રદર્શન કરશે અને તેમના 'કાળા રહસ્યો' જનતા સમક્ષ ખુલ્લા પાડશે.

 

આ રાજકીય ગજગ્રાહ હવે માત્ર સંસદ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે સીધો ચૂંટણી મેદાનમાં પહોંચી ગયો છે. NDA એ નક્કી કર્યું છે કે મહિલા અનામતનો મુદ્દો આગામી ચૂંટણીઓમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. વિરોધ પક્ષો પર 'મહિલા વિરોધી' હોવાનો સિક્કો મારીને તેમને મતદારોની નજરમાં નીચે પાડવાની આ રણનીતિ વિપક્ષ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. સંસદમાં થયેલી આ હારને હવે સત્તાધારી પક્ષ જનતાની સહાનુભૂતિ અને મત મેળવવા માટેના હથિયાર તરીકે વાપરવાની તૈયારી કરી રહ્યો છે, જેનાથી આગામી સમયમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે.

(9:53 PM IST)