<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રાજસ્થાન ગેંગરેપ અને હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં NCW એક્શનમાં: શ્રી ગંગાનગરમાં ૧૩ વર્ષની સગીરા પર બર્બરતા મામલે ૧૫ દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો

એસઆઈટી (SIT) ની તપાસમાં અત્યાર સુધીમાં ૧૮ નરાધમોની ધરપકડ; કમિશને સોશિયલ મીડિયા પરથી પીડિતા સંબંધિત તમામ વીડિયો અને વાંધાજનક સામગ્રી તાત્કાલિક હટાવવા પોલીસને આદેશ આપ્યો

શ્રી ગંગાનગર, તા.૦૮: રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ૧૩ વર્ષની સગીર બાળકી પર થયેલા સામૂહિક બળાત્કાર (ગેંગરેપ) અને માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) ની હૃદયદ્રાવક ઘટનાના અહેવાલો પર રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ અત્યંત ગંભીર નોંધ લીધી છે. પીડિત સગીરાને ન્યાય અપાવવા માટે આયોગે આક્રમક વલણ અપનાવતા શ્રી ગંગાનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP) ને આગામી ૧૫ દિવસની અંદર આ મામલે કરવામાં આવેલી સખત કાર્યવાહીનો વ્યાપક અહેવાલ (Action Taken Report) રજૂ કરવાનો કડક નિર્દેશ આપ્યો છે.
આ સંવેદનશીલ કેસની વ્યાપક અને ઝડપી તપાસ સુનિશ્ચિત કરવા માટે આયોગે પોલીસ, તબીબી સત્તાવાળાઓ (મેડિકલ ઓથોરિટી) અને ફોરેન્સિક એજન્સીઓ સહિત તમામ સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન સાધવા પર વિશેષ ભાર મૂક્યો છે. આ કેસની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની કામગીરીની નોંધ લેતા આયોગે જણાવ્યું કે, આ ગુનામાં સામેલ અત્યાર સુધીમાં ૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જોકે, આયોગે બાકીના તમામ આરોપીઓની પણ તાત્કાલિક ધરપકડ કરવા અને સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે.
અનધિકૃત હોટલો સામે કડક આદેશ અને ડિજિટલ સામગ્રી પર પ્રતિબંધ
આ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગે વહીવટી તંત્રને પણ સકંજામાં લીધું છે. શ્રી ગંગાનગરના જિલ્લા મેજિસ્ટ્રેટને આગામી ૧૫ દિવસની અંદર જિલ્લામાં ધમધમી રહેલી તમામ બિન-નોંધાયેલ અને અનધિકૃત હોટલો તેમજ આવી શંકાસ્પદ સંસ્થાઓને ઓળખી કાઢી તેમની સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવી શકાય.
બીજી તરફ, ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર સગીર પીડિતાની ઓળખ છતી કરતા અથવા તેને સંબંધિત વાંધાજનક વીડિયો અને સામગ્રીના પ્રસાર સામે આયોગે લાલ આંખ કરી છે. આ ગંભીર બાબતની નોંધ લેતા કમિશને ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓને તુરંત જ તમામ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવી ગુનાહિત સામગ્રી તાત્કાલિક દૂર (Delete) કરવાની ખાતરી કરવા માટે સખત સૂચના આપી છે, જેથી પીડિતાની ગોપનીયતા અને ગરિમા જળવાઈ રહે.

(6:25 PM IST)