તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
ગટર અને સેપ્ટિક ટેન્ક સફાઈ દરમિયાન થતાં મૃત્યુ અંગે NCSKનો ચોંકાવનારો ખુલાસો: વર્ષ ૨૦૨૬માં ૩૧ સફાઈ કર્મચારીઓએ ગુમાવ્યા જીવ, માત્ર ૯ પીડિત પરિવારોને જ મળ્યું સંપૂર્ણ વળતર
છેલ્લા ૧૧ વર્ષમાં દેશભરમાં આ ભયાનક કામગીરી દરમિયાન ૭૭૩ નિર્દોષ લોકોના મોત; વળતરની ચુકવણીમાં સુસ્તી અને કાયદાકીય જોગવાઈઓના કડક અમલ સામે ઉઠ્યા મોટા પ્રશ્નાર્થ.

નવી દિલ્હી : દેશમાં સફાઈ કર્મચારીઓની સુવિધા અને માનવ અધિકારોના મોટા-મોટા દાવાઓ વચ્ચે એક અત્યંત ચિંતાજનક અને કડવી વાસ્તવિકતા સામે આવી છે. નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારીઓ (NCSK) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં દેશભરમાં ગટર (સીવર) અને સેપ્ટિક ટેન્કની સફાઈ કરતી વખતે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૩૧ સુધી પહોંચી ગઈ છે. આંકડા દર્શાવે છે કે આ ભયાનક અકસ્માતો બાદ પીડિત પરિવારોને આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં પણ ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે, કારણ કે આ ૩૧ મૃત્યુમાંથી માત્ર ૯ કિસ્સામાં જ સંપૂર્ણ વળતર ચૂકવાયું છે.
આ વર્ષે નોંધાયેલા આંકડાઓમાં હરિયાણા રાજ્ય સૌથી આગળ છે, જ્યાં સૌથી વધુ ૮ સફાઈ કર્મચારીઓના મોત થયા છે. ત્યારપછી મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ૬-૬ મૃત્યુ, ઉત્તર પ્રદેશમાં ૩, જ્યારે ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ૨-૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો વિતેલા વર્ષોની સરખામણી કરીએ તો ૨૦૨૫માં આ પ્રકારે ૫૧ મૃત્યુ નોંધાયા હતા (જેમાંથી ૨૮ને વળતર મળ્યું) અને ૨૦૨૪માં પ૪ લોકોના મોત થયા હતા (જેમાંથી ૪૩ પરિવારોને વળતર ચૂકવાયું હતું). આ આંકડાઓ સાબિત કરે છે કે સુપ્રીમ કોર્ટના કડક આદેશો છતાં જોખમી સફાઈ કામગીરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.
NCSKના ૧૧ વર્ષના (૨૦૧૬ થી ૨૦૨૬) સમગ્ર ડેટા પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ ૭૭૩ સફાઈ કર્મચારીઓ ગટરની ઝેરી ગેસ કે અકસ્માતનો ભોગ બનીને કાળધર્મ પામ્યા છે, જેમાં તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૦૦-૧૦૦ મોત, ઉત્તર પ્રદેશમાં ૯૮, ગુજરાતમાં ૮૬ અને હરિયાણામાં ૮૫ મૃત્યુ નોંધાયા છે. વર્ષ ૨૦૧૯નો સમયગાળો આ દાયકામાં સૌથી વધુ કાળો સાબિત થયો હતો, જેમાં એક જ વર્ષમાં ૧૩૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કમિશને સ્પષ્ટ કર્યું છે કે આ ડેટા વિવિધ સરકારી એજન્સીઓ, પોલીસ દળો અને મીડિયા અહેવાલોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
આંકડાકીય વિગતો સામે આવ્યા બાદ સામાજિક કાર્યકર્તાઓ અને સફાઈ કર્મચારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ સફાઈ માટે માનવ શ્રમનો ઉપયોગ કરવો અને ઝેરી ટેન્કોમાં લોકોને ઉતારવા એ અત્યંત નામોશીભરી બાબત છે. કમિશને સ્વીકાર્યું છે કે તેમની પાસે આવી ઘટનાઓનો કાયદાકીય ડેટાબેઝ રાખવાનું કોઈ પોર્ટલ નથી, જેથી વાસ્તવિક આંકડો આનાથી પણ વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે. પીડિત પરિવારોને તાત્કાલિક સંપૂર્ણ વળતર મળે અને ગટર સફાઈનું સંપૂર્ણ યાંત્રિકીકરણ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
