<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

NCLTનો મોટો નિર્ણય: તમામ બેન્ચોમાં ડબલ-સાઇડેડ A4 પેપર ફાઇલિંગ ફરજિયાત, કાગળનો બગાડ અટકશે

વસાહતી યુગની પ્રથાનો અંત: પર્યાવરણના રક્ષણ અને રજિસ્ટ્રીના કામકાજને આધુનિક બનાવવા માટે નવો પરિપત્ર જારી

 

 

નવી દિલ્હી : નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવા અને રજિસ્ટ્રી પ્રથાઓને માનક બનાવવાના ઉદ્દેશ્યથી ગત ૩ સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરીને દેશભરની તમામ બેન્ચોમાં તમામ પ્રકારની અરજીઓ, જવાબો, રિજોઇન્ડર્સ અને સોગંદનામા માટે ત્વરિત અસરથી ડબલ-સાઇડેડ (ડુપ્લેક્સ) પ્રિન્ટિંગ સાથે A4-કદના કાગળનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.
આ પ્રક્રિયાગત સુધારાની વિગતવાર માહિતી આપતા કાનૂની વર્તુળોએ જણાવ્યું હતું કે આ પગલું પ્રેક્ટિશનરો અને વકીલોની લાંબા સમયથી ચાલી આવતી માંગને સંતોષે છે, કારણ કે નવેમ્બર ૨૦૨૧ માં NCLT અને NCLAT સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી કે કોર્પોરેટ અને સરકારી મુકદ્દમાઓમાં ફક્ત સ્ટાન્ડર્ડ A4 કાગળનો જ ઉપયોગ થાય છે, જ્યારે કાનૂની કદની એક-બાજુવાળી શીટ્સનો વસાહતી યુગનો વારસો હવે બિનજરૂરી બની ગયો હતો અને આ નવા નિયમથી NCLT દેશની સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોની હરોળમાં આવી ગઈ છે.
નાદારી અને કંપની બાબતોના કેસોમાં દસ્તાવેજોના વિશાળ થાગ અને હજારો પાનાઓના જોડાણો સામે આવતા હોય છે, ત્યારે આ સાર્વત્રિક ડુપ્લેક્સ પ્રિન્ટિંગ પદ્ધતિ લાગુ થવાથી રજિસ્ટ્રી પરનો સ્ટોરેજ બોજ ઘણું ખરું ઓછો થશે તેમજ મુકદ્દમા લડતા પક્ષકારો અને વકીલો માટે પ્રિન્ટિંગ અને કાગળ પાછળ થતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
ભૂતકાળમાં વર્ષ ૨૦૨૦ ની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમજ ત્યારબાદ દિલ્હી, બોમ્બે, અલ્હાબાદ અને કર્ણાટક સહિતની અનેક હાઈકોર્ટો દ્વારા એકસમાન ડુપ્લેક્સ ફાઇલિંગને મંજૂરી આપતા આદેશો જારી કરવામાં આવ્યા હતા, અને હવે NCLT ના આ ક્રાંતિકારી વહીવટી પગલાંથી ન્યાયિક પ્રક્રિયા વધુ સરળ, ગતિશીલ તેમજ કાગળમુક્ત (પેપરલેસ) ડિજિટલ યુગ તરફ આગળ વધશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

(12:20 PM IST)