તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
"NCLT અને NCLAT એ દેશની આર્થિક વ્યવસ્થાની લાઇફલાઇન છે": સુપ્રીમ કોર્ટની લાલ આંખ, પાયાની સુવિધાઓ અને સ્ટાફની અછત સામે ગંભીર ચિંતા
હજારો કરોડના વ્યાપારી વિવાદો ઉકેલતી ટ્રિબ્યુનલ્સમાં બેઠકો અડધા દિવસની ચાલવા સામે સુપ્રીમ કોર્ટનો સવાલ: કેન્દ્ર સરકાર પાસે માંગ્યો વિસ્તૃત અહેવાલ

નવી દિલ્હી : દેશભરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) અને NCLAT ની બેન્ચોમાં પ્રવર્તતી ગંભીર માળખાગત ખામીઓ અને સ્ટાફની ભારે અછતને લઈને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. હજારો-કરોડો રૂપિયાના જટિલ વ્યાપારી અને નાદારી (Insolvency) સંબંધિત વિવાદોનું નિરાકરણ કરતી આ અત્યંત મહત્વપૂર્ણ સંસ્થાઓ પાયાની સુવિધાઓ વિના કેવી રીતે અસરકારક રીતે કામ કરી શકે, તેવો તીખો સવાલ સર્વોચ્ચ અદાલતે ઉઠાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં અવલોકન કર્યું છે કે આ ટ્રિબ્યુનલ્સ વર્તમાન સમયમાં દેશની આર્થિક વ્યવસ્થા અને સરકારની 'લાઇફલાઇન' સમાન છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશો જોયમાલ્યા બાગચી તથા વી. મોહનાની બેન્ચ દ્વારા NCLTમાં સભ્યોની ખાલી જગ્યાઓ અને માળખાગત સુવિધાઓના અભાવ અંગેના 'સુઓ મોટો' (સ્વતઃ સંજ્ઞાન) કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. NCLT પ્રિન્સિપલ બેન્ચ બાર એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી હસ્તક્ષેપ અરજીમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે સભ્યોની અછત અને નિવૃત્તિને કારણે ૨૪ ઓગસ્ટથી અમલી બનેલા નવા રોસ્ટર હેઠળ દેશભરમાં NCLTની ઓછામાં ઓછી ૧૮ બેન્ચો માત્ર અડધા દિવસ માટે જ કામગીરી કરી રહી છે.
માળખાકીય કટોકટી અને સરકારની 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' પર અસર
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બાર એસોસિએશન વતી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ સંજીવ સેને રજૂઆત કરી હતી કે NCLTનું માળખું અત્યંત ખરાબ હાલતમાં છે. આગામી એક વર્ષમાં વધુ ૧૮ સભ્યો નિવૃત્ત થવાના હોવાથી ખાલી જગ્યાઓનો આંકડો વધુ મોટો બનશે. મુખ્ય ન્યાયાધીશે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "જ્યાં સુધી તમે ઇમારતો, પૂરતો સ્ટાફ અને ચુકાદા લખનારા (जजमेंट राइटर्स) જેવી પાયાની સુવિધાઓ પૂરી નહીં કરો, ત્યાં સુધી સંસ્થા કેવી રીતે કાર્ય કરી શકે?" બેંકો, નાણાકીય ક્ષેત્ર અને મોટા માળખાગત પ્રોજેક્ટ્સના વિવાદો આ જ સંસ્થાઓમાં ઉકેલાતા હોવાથી તેમનું સુચારુ સંચાલન અનિવાર્ય છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે બાર એસોસિએશનને તમામ પ્રાદેશિક NCLT બેન્ચો પર ઉપલબ્ધ સુવિધાઓની માહિતી એકત્રિત કરીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. સાથે જ, કેન્દ્ર સરકારને મુખ્ય અને પ્રાદેશિક બેન્ચોની વાસ્તવિક સ્થિતિ દર્શાવતો વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી બે અઠવાડિયા પછી આ મહત્વપૂર્ણ મામલે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
