તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
પાકિસ્તાની હની-ટ્રેપમાં ફસાયો નેવીનો નાવિક: ગુપ્ત માહિતી લીક કરવા બદલ કોઈમ્બતુરથી ધરપકડ
સોશિયલ મીડિયા પર મહિલા એજન્ટ સાથે મિત્રતા ભારે પડી, વિશાખાપટ્ટનમ બેઝની સંવેદનશીલ વિગતો મોકલ્યાનો પર્દાફાશ

કોઈમ્બતુર : આંધ્રપ્રદેશ પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની મહિલા ગુપ્તચર એજન્ટના હની-ટ્રેપમાં ફસાઈને દેશની દરિયાઈ ગુપ્ત માહિતી લીક કરવાના ગંભીર આરોપસર ૩૧ વર્ષીય નૌકાદળના નાવિક પ્રદીપ મુખર્જીની ધરપકડ કરી છે. આ જાસૂસી પ્રકરણમાં ખુલાસો થયો છે કે આરોપી નાવિક પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં રહીને ભારતીય નૌકાદળની મહત્વપૂર્ણ સંપત્તિઓ, કાફલાની ગતિવિધિઓ અને વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ વિશાખાપટ્ટનમ નેવલ બેઝની ગોપનીય માહિતી શેર કરી રહ્યો હતો.
આરોપી પ્રદીપ મુખર્જી મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે અને તે વર્ષ ૨૦૧૪માં ભારતીય નૌકાદળમાં જોડાયા બાદ વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય નૌકાદળ કમાન્ડમાં સેવા આપી રહ્યો હતો. ધરપકડના સમયે તે કોઈમ્બતુર સ્થિત નેવલ લીડરશીપ ટ્રેનિંગ સેન્ટર (INS અગ્રણી) ખાતે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કોર્સ માટે આવ્યો હતો અને છેલ્લા એક સપ્તાહથી ત્યાં જ રોકાયો હતો, જ્યાંથી કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલે ૩ ઑક્ટોબરના રોજ ઓપરેશન પાર પાડીને તેને ઝડપી લીધો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે થોડા મહિનાઓ અગાઉ એક પાકિસ્તાની મહિલા ગુપ્તચર એજન્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી મુખર્જી સાથે સંપર્ક સાધ્યો હતો અને ઓનલાઈન મિત્રતા તથા હની-ટ્રેપના જાળમાં ફસાવીને દેશના રક્ષણ સાથે જોડાયેલી ખાનગી માહિતી કઢાવી લીધી હતી. નાવિક સાથે જોડાયેલા શંકાસ્પદ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને હિલચાલ ધ્યાનમાં આવ્યા બાદ કાઉન્ટર ઇન્ટેલિજન્સ (CI) સેલે સઘન તપાસ હાથ ધરીને તેને સતત દેખરેખ હેઠળ રાખ્યો હતો અને પુરાવા મળતા જ આડી કાર્યવાહી કરી હતી.
આ સરહદ પારની જાસૂસી અને રાષ્ટ્રીય સુરક્ષા સામેના ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા હવે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સંભવિત સહયોગીઓ અથવા દલાલોનો પણ પર્દાફાશ કરી શકાય.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
