<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

નવી મુંબઈના પનવેલ રેવે સ્ટેશન પર અચાનક લિફ્ટ નીચે ખાબકી : અંદર ફસાયેલ મુસાફરોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ

સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર આવેલી લિફ્ટ ટેક્નિકલ ખામી કે અન્ય કારણોસર અચાનક નીચે પડી

નવી મુંબઈના પનવેલ રેલ્વે સ્ટેશન પર સોમવારની સવાર મુસાફરો માટે ડરામણી સાબિત થઈ હતી. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર આવેલી લિફ્ટ અચાનક નીચે ખાબકતા સ્ટેશન પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટના સમયે લિફ્ટમાં ચાર મુસાફરો સવાર હતા, જેઓ અંદર ફસાઈ ગયા હતા. અઠવાડિયાના પ્રથમ દિવસે સ્ટેશન પર ભારે ભીડ હોવાથી આ ઘટનાને પગલે લોકોમાં ભય અને સુરક્ષા અંગે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

 

પનવેલ સ્ટેશન એક મહત્વનું ટર્મિનસ હોવાથી સવારના સમયે ત્યાં હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર હોય છે. પ્લેટફોર્મ નંબર 7 પર જ્યારે મુસાફરો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર લિફ્ટ અચાનક નીચે પડી હતી. લિફ્ટ પડવાનો અવાજ આવતા જ આસપાસના મુસાફરો દોડી આવ્યા હતા અને રેલ્વે પોલીસને જાણ કરી હતી.

 

ઘટનાની જાણ થતા જ રેલ્વે પ્રશાસન અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લિફ્ટમાં ફસાયેલા ચાર મુસાફરોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લિફ્ટ પછડાવાને કારણે અંદર રહેલા મુસાફરોને સામાન્ય ઈજાઓ થવાની આશંકા સેવાઈ રહી છે.

 

આ દુર્ઘટના બાદ રેલ્વે સ્ટેશન પર લિફ્ટના મેન્ટેનન્સ અને સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. મુસાફરોની સુવિધા માટે કરોડોના ખર્ચે લગાડવામાં આવેલી લિફ્ટ આ રીતે અચાનક કેવી રીતે ખાબકી શકે? સ્ટેશન પર હાજર મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે કે રેલ્વે પ્રશાસન દ્વારા લિફ્ટની સમયાંતરે તપાસ કરવામાં આવતી નથી. આ બેદરકારી કોઈ મોટી જાનહાનિનું કારણ બની શકી હોત.

 

રેલ્વે સત્તાધીશોએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. લિફ્ટ કયા કારણોસર પડી તેની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. હાલ પૂરતું આ પ્લેટફોર્મ પર લિફ્ટની સુવિધા બંધ કરી દેવામાં આવી છે અને મુસાફરોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. આ ઘટનાએ ફરી એકવાર જાહેર પરિવહન વ્યવસ્થામાં ટેકનિકલ સુરક્ષાના ધોરણો પર સવાલ ઉઠાવ્યા છે.

(1:41 PM IST)