તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Friday, 4th September 2026
નવી મુંબઈ મહાનગરપાલિકાનો મોટો નિર્ણય: નાગરીક હોસ્પિટલોમાં નવજાત શિશુઓની સંભાળ માટે NICU મોનિટરિંગ કડક કરાયું, વધુ નવા ઇન્ક્યુબેટર્સ વસાવવાની પ્રક્રિયા શરૂ!
વાશી, નેરુલ અને ઐરોલી સિવિક હોસ્પિટલોમાં દર ત્રણ મહિને સ્પેશિયલાઇઝ્ડ એજન્સી દ્વારા થશે ઇન્સ્પેક્શન: માતા-બાળ હોસ્પિટલોમાં પણ નવા NICU સ્થાપવાની NMMC ની યોજના

નવી મુંબઈ : નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) એ પોતાની જાહેર હોસ્પિટલોમાં નવજાત શિશુઓની ગંભીર સારવાર અને સંભાળ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ (NICUs) નું મોનિટરિંગ અને સાધનોની જાળવણી વધારી દેવામાં આવી છે. ખાસ કરીને ઓછા વજન સાથે જન્મેલા અને તાત્કાલિક મેડિકલ ઈમરજન્સી ધરાવતા માસૂમ બાળકો માટે મહત્વપૂર્ણ સાધનો યોગ્ય સ્થિતિમાં રહે તે માટે દર ત્રણ મહિને વિશેષ એજન્સી દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવશે.
હાલની સુવિધાઓ અને મોનિટરિંગ સિસ્ટમ:
NMMC હાલમાં વાશી, નેરુલ અને ઐરોલીમાં ત્રણ મોટી જાહેર હોસ્પિટલો, બે માતા-બાળ હોસ્પિટલો તથા ૨૬ પ્રાથમિક શહેરી આરોગ્ય કેન્દ્રો ચલાવે છે. આ સુવિધાઓનો લાભ નવી મુંબઈ ઉપરાંત આસપાસના વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પણ લે છે.
હાલમાં વાશી સિવિલ હોસ્પિટલમાં ૧૬, ઐરોલી હોસ્પિટલમાં ૧૮ અને નેરુલ હોસ્પિટલમાં ૧૫ ઇન્ક્યુબેટર કાર્યરત છે. તમામ NICU યુનિટ્સ એર કન્ડીશનીંગ, એડવાન્સ સ્વચ્છતા પ્રણાલી અને અગ્નિ-સુરક્ષા સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે.
આગામી મહિનાઓમાં ઇન્ક્યુબેટરની સંખ્યામાં થશે વધારો:
વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને NMMC પોતાની તમામ હોસ્પિટલોમાં ઇન્ક્યુબેટરની ક્ષમતા વધારવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કોર્પોરેશનની માતા-બાળ હોસ્પિટલોમાં પણ નવા અલગ NICU યુનિટ્સ શરૂ કરાશે. NMMC ના મેડિકલ હેલ્થ ઓફિસર ડૉ. રાજેશ મ્હાત્રેએ જણાવ્યું કે, નવા સાધનો ખરીદવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે અને આગામી બે થી ત્રણ મહિનામાં વધારાની આધુનિક સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
