તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
આકાશી આફત વચ્ચે હિમાચલ પ્રદેશમાં કુદરતનો કોપ: શિમલાના જાંગલીખ પુલ પાસે કાળજું કંપાવનારું ભૂસ્ખલન, પહાડ ધસી પડતાં મુખ્ય માર્ગો બંધ, ૬૬ રસ્તાઓ પર ચક્કાજામ
મોટા પથ્થરો પડતાં વાહનચાલકોએ ભાગીને જીવ બચાવ્યો: કાટમાળ નદીમાં પડતાં કૃત્રિમ તળાવ સર્જાવાનો ભય વ્યાપ્યો, ૧૧૬ પાવર ટ્રાન્સફોર્મર ઠપ્પ થતાં અનેક વિસ્તારોમાં અંધારપટ.

શિમલા, તા.૨૮: ઉત્તર ભારતમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શિમલા જિલ્લાના રોહડૂ વિસ્તારમાં આવેલ જાંગલીખ પુલ નજીક પહાડનો એક આખો મસમોટો ભાગ અચાનક ધસી પડતાં ભયાનક ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ધસી પડેલા કાળમાળ અને વિરાટ પથ્થરોના કારણે રોહડૂનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જાંગલીખ પુલ નજીક રવિવારથી જ નાના-મોટા પથ્થરો તૂટીને પડી રહ્યા હતા. એ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા અનેક મુસાફરો અને વાહનચાલકોએ સમયસૂચકતા વાપરીને ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોતજોતામાં આંખના પલકારામાં આખો પહાડ જમીનદોસ્ત થઈ ગયો હતો. ભૂસ્ખલનનો આ કાટમાળ સીધો નીચે વહેતા ખડમાં પડતાં પાણીનો કુદરતી પ્રવાહ થોડા સમય માટે રોકાઈ ગયો હતો, જેનાથી સ્થાનિક રહીશોમાં કૃત્રિમ તળાવ બનીને અચાનક પૂર (Flash Flood) આવવાનો મોટો ફફડાટ વ્યાપી ગયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રોહડૂના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા તહસીલદારની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે હવે પાણીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે અને તળાવ બનવાનું કોઈ જોખમ નથી, છતાં સાવચેતીના પગલારૂપે લોકોને પબ્બર નદી અને સ્થાનિક જળાશયોના કિનારે ન જવાની આકરી સૂચના આપવામાં આવી છે.
સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર (SEOC) ના તાજેતરના અહેવાલ મુજબ, સતત વરસાદ અને બરફવર્ષાના કારણે રાજ્યભરમાં કુલ ૬૬ જેટલા મહત્વના રસ્તાઓ બંધ થઈ ગયા છે. કિન્નોર જિલ્લામાં પૂહ નજીક નેશનલ હાઇવે (NH-05) પણ ભૂસ્ખલનથી પ્રભાવિત થયો છે. આ ઉપરાંત ૧૧૬ પાવર ટ્રાન્સફોર્મર ખોરવાઈ જતાં અનેક ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો છે. હવામાન વિભાગે શિમલા, સોલન, મંડી અને કુલ્લુ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી છે, જેથી સ્થાનિકો અને પ્રવાસીઓને સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
