<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

કુદરતનો કહેર: 'સુપર અલ નીનો'ની એન્ટ્રી સાથે ૯ મેથી ધરતી ધગધગશે, શું ૨૦૨૬માં ગરમીના તમામ રેકોર્ડ તૂટી જશે?

પેસિફિક મહાસાગરમાં વધતા તાપમાને વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડાડી; આગામી દિવસોમાં આકરી લૂ : કમોસમી વાવાઝોડા અને નબળા ચોમાસાના સંકેતો વચ્ચે કૃષિ જગત પર તોળાતું સંકટ

અમદાવાદ:  હવામાનમાં આવી રહેલો મોટો પલટો અત્યારે માત્ર ચર્ચાનો વિષય નથી, પણ એક ગંભીર ખતરો બનીને ઉભરી રહ્યો છે. ૯ મે પછીના દિવસોમાં વૈશ્વિક વાતાવરણમાં ધરખમ ફેરફારની આગાહી કરવામાં આવી છે, જેમાં સામાન્ય ગરમીને બદલે 'સુપર અલ નીનો'નો પ્રકોપ જોવા મળી શકે છે. પેસિફિક મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ૨ ડિગ્રી સેલ્સિયસ વધી જવાથી સર્જાનારી આ ઘટના ૨૦૨૬ના મધ્ય સુધીમાં ભારતમાં તાપમાનના ૧૪૦ વર્ષના રેકોર્ડ તોડી શકે છે. મે મહિનાની શરૂઆતના રાહતભર્યા વરસાદ બાદ હવે લોકોએ તીવ્ર હીટવેવ અને ધૂળની ડમરીઓ સાથે આવતા તોફાનો માટે તૈયાર રહેવું પડશે.

વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ, સુપર અલ નીનો માત્ર ગરમી જ નહીં લાવે, પણ ભારતની જીવાદોરી સમાન ચોમાસાને પણ નબળું પાડી શકે છે. વિશ્વ હવામાન સંગઠન (WMO) ના અંદાજ મુજબ મે થી જુલાઈ ૨૦૨૬ દરમિયાન આ ઘટના સક્રિય થવાની શક્યતા ૬૧ ટકા છે. જો આવું થશે, તો ભારતના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાં રાત્રિના તાપમાનમાં પણ અસહ્ય વધારો થશે. આ ફેરફારો એટલા ઝડપી હશે કે માનવીને તેની સામે અનુકૂલન સાધવાનો સમય પણ નહીં મળે, જે આરોગ્ય અને અર્થતંત્ર બંને માટે પડકારજનક સાબિત થઈ શકે છે.

ખાસ કરીને ખેડૂતો માટે 'ડાઉન ટુ અર્થ'નો અભ્યાસ ચિંતાજનક છે, કારણ કે નબળા પવનોને લીધે વરસાદમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં લૂની તીવ્રતા વધવાની સાથે જળાશયોના તળ પણ ઝડપથી નીચે જઈ શકે છે. નિષ્ણાતો અત્યારથી જ પાણીના સંગ્રહ અને ખેતીની પદ્ધતિમાં ફેરફાર કરવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે અલ નીનોની અસર ચોમાસાના અંત સુધી લંબાઈ શકે છે. અત્યારે ભલે આકાશ વાદળછાયું હોય, પરંતુ ૯ મે પછી સુર્યનારાયણનો મિજાજ બદલાતા જ 'સુપર હીટ'ના નવા યુગની શરૂઆત થઈ શકે છે.

(7:35 PM IST)