<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

આસામમાં પ્રકૃતિનો કોપ કે માનવસર્જિત મહા-આપત્તિ? કાદવ અને જળબંબાકાર વચ્ચે ભાજપ સરકાર સામે જનઆક્રોશ ચરમસીમાએ; કોલસા સિન્ડિકેટ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોથી ખળભળાટ

ઉપલા આસામના શિવસાગર, જોરહાટ અને ચરાઈદેવમાં ૩ થી ૪ ફૂટ જાડા કાદવના થર: ૭,૦૦૦થી વધુ ગામડાં તારાજ, ૧,૫૦૦ પશુઓના મોત અને હજારો ઘરો જમીનદોસ્ત; ‘વાદળ ફાટવાનું બહાનું’ ખોટું સાબિત થતાં તંત્ર સામે વિપક્ષ અને સ્થાનિકો આક્રમક

ગુવાહાટી, તા.૨૯: ઉપલા આસામમાં આવેલા અભૂતપૂર્વ અને વિનાશક પૂરે સમગ્ર રાજ્યમાં ભારે તબાહી મચાવી દીધી છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જેવા જિલ્લાઓમાં ૩ થી ૪ ફૂટ જાડા કાદવના થર જામી ગયા છે, જેની સાથે જ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર સામે સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ આપત્તિને માત્ર કુદરતી કોપ માનવાને બદલે સ્થાનિકો અને વિપક્ષ તેને ગેરકાયદેસર કોલસા સિન્ડિકેટ, પર્યાવરણીય અતિક્રમણ અને વહીવટી નિષ્ફળતાનું પરિણામ ગણાવી રહ્યા છે.

સિન્ડિકેટ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો:

રાયજોર દળના વડા અને શિવસાગરના ધારાસભ્ય અખિલ ગોગોઈ તથા વિપક્ષી નેતાઓએ રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ પર સીધા પ્રહારો કર્યા છે. ગોગોઈએ આરોપ લગાવ્યો છે કે, નાગાલેન્ડ સરહદે મંત્રીઓ અને નેતાઓની છત્રછાયા હેઠળ ચાલતા ગેરકાયદેસર કોલસા સિન્ડિકેટ અને પથ્થર ખનનને કારણે ટેકરીઓના પાયા ખોખલા થઈ ગયા હતા. ચોમાસાના ભારે વરસાદ દરમિયાન આ અસુરક્ષિત ખાણો અને કૃત્રિમ તળાવો તૂટી પડતાં કાદવ અને પાણીનો પ્રચંડ પ્રવાહ નીચાણ વાળા વિસ્તારો પર ફરી વળ્યો હતો, જેના કારણે આ મહા-આપત્તિ સર્જાઈ છે.

ભયાનક વિનાશ અને જનજીવન અસ્તવ્યસ્ત:

રાજ્યના લગભગ ૭,૦૦૦ ગામડાંઓ આ કુદરતી અને માનવસર્જિત આપત્તિથી પ્રભાવિત થયા છે. એકલા શિવસાગરના બિહુબર પંચાયતમાં મિનિટોમાં ૧,૫૦૦ જેટલા પશુઓ કાળજગ્યાએ હોમાઈ ગયા હતા અને ૨૦૦થી વધુ ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા. લોકોની વર્ષોની કમાણી, ખેતીની જમીન, વાહનો અને ઘરવખરી કાદવમાં વિલીન થઈ ગઈ છે. સ્થાનિક લોકોમાં એ વાતનો પણ ભારે આક્રોશ છે કે પૂર પહેલાં કોઈ પણ પ્રકારની પૂર્વ ચેતવણી (Early Warning System) આપવામાં આવી નહોતી.

સરકારની કથિત નિષ્ક્રિયતા સામે સ્થાનિકો પોતે મદદે આવ્યા:

જ્યારે વહીવટીતંત્ર અને મંત્રીઓની રાહત કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે સામાન્ય નાગરિકો, યુવાનો અને વિપક્ષી નેતાઓ પોતે સ્વયંસેવક બનીને પૂરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યા છે. રસ્તાઓ પર રાહત સામગ્રી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે આસામને દર વર્ષે માત્ર સાંત્વના કે જાહેરાતોની નહીં, પરંતુ જવાબદાર અને કડક શાસનની જરૂર છે. સોશિયલ મીડિયા પર પણ સરકારની ભૂલો અને પ્રચાર ખર્ચ સામે નાગરિકો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે.

(5:08 PM IST)