News of Sunday, 19th April 2026
કાળઝાળ ગરમી વચ્ચે કુદરતનો પ્રહાર: લણણી ટાણે જ બાગપતના ખેતરોમાં ભભૂકી ભીષણ આગ, 31 એકરમાં પથરાયેલું ‘સોનું’ બળીને ખાખ
વર્ષભરના લોહી-પરસેવાની મહેનત પર ફરેલા અગ્નિના પ્રકોપે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવ્યો, જોરદાર પવન અને ફાયર બ્રિગેડની કથિત બેદરકારીએ લાખોનું નુકસાન પહોંચાડતા અન્નદાતા આઘાતમાં

બાગપત:ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના સિસાણા ગામમાં રવિવારનો દિવસ ખેડૂતો માટે કાળો સાબિત થયો છે. જ્યારે ખેતરોમાં ઊભો ઘઉંનો પાક સુવર્ણ રંગ ધારણ કરી લણણી માટે તૈયાર હતો, ત્યારે અચાનક લાગેલી આગે વિનાશ વેર્યો છે. જોતજોતામાં આગની જ્વાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પવનની ગતિએ આગમાં ઘી હોમવાનું કામ કરતા આશરે 31 એકર જેટલી જમીનમાં પથરાયેલો પાક બળીને રાખના ઢગલામાં ફેરવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં ખેડૂતોની એક આખી સીઝનની મહેનત અને મૂડી બંને રાખ થઈ ગયા છે.
સ્થાનિક ખેડૂત રાજકિશોર અને અન્ય ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પાક સંપૂર્ણ પાકી ગયો હતો અને માત્ર બે-ત્રણ દિવસમાં જ તેની કાપણી શરૂ કરવાની ગણતરી હતી. અચાનક ખેતરના એક ખૂણેથી શરૂ થયેલી આગે પડોશના ખેતરોને પણ લપેટમાં લઈ લીધા હતા. ગ્રામજનોએ જીવના જોખમે ડોલ અને માટી વડે આગ ઓલવવાના અથાગ પ્રયત્નો કર્યા હતા, પરંતુ રણચંડી બનેલી આગ સામે માનવીય પ્રયાસો વામણા સાબિત થયા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવા છતાં ગાડીઓ મોડી પહોંચી હતી, પરિણામે જ્યારે લશ્કર પહોંચ્યું ત્યારે માત્ર બચેલી રાખ જ નજરે પડતી હતી.
આ આકાશી આફતને કારણે અસરગ્રસ્ત ખેડૂતોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આખું વર્ષ જે પાકના વેચાણમાંથી ઘરના ખર્ચ અને દેવા ચૂકવવાની આશા હતી, તે નજર સામે જ ખાખ થઈ જતાં અન્નદાતા લાચાર બન્યો છે. ખેડૂત રાજકિશોરના જણાવ્યા મુજબ, આ માત્ર આર્થિક નુકસાન નથી પણ તેમના આખા પરિવારના સપનાઓનું દહન છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
