News of Thursday, 18th June 2026
કુદરતનો પ્રકોપ! આગામી ૧૨ કલાક દેશ માટે ભારે; ગુજરાત સહિત ૧૭ રાજ્યોમાં મુશળધાર વરસાદ અને ૮૦ કિમીની ઝડપે વિનાશક વાવાઝોડાનું હાઈ-એલર્ટ!
ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે; પૂર્વોત્તર ભારતમાં આભ ફાટવાની આશંકા વચ્ચે આસામ-મેઘાલયમાં 'રેડ એલર્ટ', દિલ્હીમાં અંધાધૂંધી તો યુપીમાં કાળઝાળ લૂનો કેર યથાવત.

નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાએ વિરાટ સ્વરૂપ ધારણ કરીને ફરી એકવાર જોર પકડ્યું છે. બિહાર અને ઝારખંડના રસ્તે મોન્સૂન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેને પગલે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ૧૨ કલાકની અંદર દેશના ૧૭ રાજ્યો માટે રુંવાડા ઉભા કરી દે તેવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, આ રાજ્યોમાં આકાશી વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે. આ કુદરતી આફત દરમિયાન ૬૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની વિનાશક ઝડપે પવન ફૂંકાવાની આશંકા હોવાથી સરકારી તંત્ર અને પ્રશાસનને 'હાઈ-એલર્ટ' પર મૂકી દેવામાં આવ્યું છે.
પૂર્વોત્તર ભારતમાં આભ ફાટશે: આસામ-મેઘાલયમાં પૂરનું સંકટ
૧૯ થી ૨૪ જૂન દરમિયાન પૂર્વોત્તર ભારત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અતિભારે વરસાદની આશંકા છે. ખાસ કરીને ૧૯ થી ૨૨ જૂન દરમિયાન આસામ અને મેઘાલયમાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે, જ્યાં આભ ફાટવા જેવી સ્થિતિ અને ભયાનક પૂર આવવાની ગંભીર ચેતવણી અપાઈ છે.
દિલ્હીમાં ધૂળની ડમરીઓ અને યુપીમાં કાળઝાળ લૂનો પ્રકોપ
દેશની રાજધાની દિલ્હી-NCRમાં ૧૯ જૂને વાદળછાયું વાતાવરણ રહેશે અને ૬૦ કિમીની ઝડપે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે, ૨૦-૨૧ જૂને અહીં ભયાનક ધૂળભરી આંધી ચાલશે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ (UP) માં હજુ કોઈ રાહત નથી. લખનૌ, કાનપુર, પ્રયાગરાજ અને વારાણસી સહિત ૨૦ થી વધુ જિલ્લાઓમાં ૨૨ જૂન સુધી તીવ્ર હીટવેવ (કાળઝાળ લૂ) નો કેર ચાલુ રહેશે. પહાડી રાજ્યો હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ કરા પડવાનું 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે.
ગુજરાતના આ ૨૨ જિલ્લાઓમાં મેઘરાજા ધમધમશે!
ગુજરાતના સત્તાવાર હવામાન પૂર્વાનુમાન મુજબ, આવતીકાલે ૧૯ જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની તોફાની એન્ટ્રી થઈ શકે છે. ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે.
બિહાર અને પંજાબમાં પણ તોફાની ઇનિંગ
બિહારના પટના, ગયા, સમસ્તીપુર સહિતના ૧૫ થી વધુ જિલ્લાઓમાં ૮૦ કિમીની ઝડપે ફૂંકાનારા પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. આ ઉપરાંત પંજાબના ભટિંડા અને હોશિયારપુર સહિત ૯ જિલ્લામાં તેમજ જમ્મુ-કાશ્મીર અને ઓડિશામાં પણ ૨૨ જૂન સુધી કુદરતનો મિજાજ ગરમ રહેશે અને વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડવાનું ચાલુ રહેશે. હવામાન વિભાગે તમામ નાગરિકોને ખરાબ વાતાવરણ દરમિયાન ઘરની બહાર ન નીકળવાની ખાસ સલાહ આપી છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
