<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

હિમાચલના કાંગડામાં કુદરતનો પ્રકોપ: વાદળ ફાટતા જમીન ધસી પડી : ૧૫ મકાનો અને શાળા કાટમાળમાં દટાયા : SDRF ની ટીમોનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ

શાહપુરના બોહ ખીણ વિસ્તારમાં ટેકરીઓ ધસી પડતા ભારે વિનાશ, પશુધન અને સંપત્તિને મોટું નુકસાન પરંતુ સદનસીબે જાનહાનિ ટળી : વહીવટીતંત્રે હાઇ એલર્ટ જાહેર કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરી

કાંગડા:   હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ચોમાસાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. મંગળવારે શાહપુર સબડિવિઝન હેઠળ આવતા બોહ ખીણ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાની સાથે સર્જાયેલા ભયાનક ભૂસ્ખલને ક્ષણભરમાં જ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને અફરાતફરી મચાવી દીધી હતી. રૂલેહર, ભાંગર, ગઢગુહાન અને સ્પાડા જેવા ગામોમાં ટેકરીઓ પરથી હજારો ટન માટી અને વિરાટ પથ્થરો નીચે ધસી આવ્યા હતા, જેના કારણે એક પ્રાથમિક શાળા, ૧૫ થી વધુ મકાનો અને ચાર ગૌશાળાઓ ક્ષણભરમાં કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. કુદરતના આ રૌદ્ર સ્વરૂપ સામે સ્થાનિક લોકો પોતાની જાન બચાવવા સુરક્ષિત સ્થળો તરફ ભાગ્યા હતા.

આ ભયાનક આફત વચ્ચે સદનસીબે કોઈ માનવ જાનહાનિ થઈ નથી, જેણે વહીવટીતંત્રને મોટી રાહત આપી છે. જોકે, કાટમાળ નીચે એક મહિલા ગંભીર રીતે ઘવાયી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ગૌશાળાઓ કાટમાળમાં ફેરવાઈ જતાં અંદર બાંધેલા અનેક પશુઓ, ઘેટાં અને બકરાઓ કાળનો કોળિયો બન્યા છે, જેનાથી સ્થાનિક ગ્રામજનોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. અચાનક આવેલા આ સંકટને કારણે અનેક પરિવારોએ પોતાની આજીવન કમાણી અને છત ગુમાવી દેતાં ગામડાઓમાં કરુણ દ્રશ્યો સર્જાયા છે.

ઘટનાની જાણ થતાં જ ૧૫ સભ્યોની SDRF ની ટીમ, શાહપુર પોલીસ સ્ટેશનનો કાફલો અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. કાંગડાના એડિશનલ એસપી બીર બહાદુરે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સતત વરસી રહેલા વરસાદ અને ભૂસ્ખલનના ખતરાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને ધર્મશાળા કંટ્રોલ રૂમ મારફતે ઈમરજન્સી હેલ્પલાઈન ચાલુ કરી છે અને સંવેદનશીલ તથા નદી-નાળા નજીકના વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા સખત સલાહ આપી છે.

(10:59 PM IST)