તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
કુદરતનો બેવડો માર: દેશભરમાં એકસાથે 6 ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થતાં ભારે વાવાઝોડા અને આકાશી આફતની આકરામાં આકરી ચેતવણી, અનેક રાજ્યો એલર્ટ પર
એક તરફ ઉત્તર ભારતમાં અંગારા વરસાવતી કાળઝાળ ગરમીની 'હીટવેવ' તો બીજી તરફ દક્ષિણ અને પૂર્વ ભારતમાં 70 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન; વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે તૂટી પડશે મુશળધાર વરસાદ

નવી દિલ્હી: સમગ્ર દેશના હવામાનમાં હાલ એક અત્યંત વિચિત્ર અને જોખમી પ્રક્રિયા જોવા મળી રહી છે, જેને પગલે હવામાન વિભાગે દેશના મોટાભાગના રાજ્યો માટે હાઈ-એલર્ટ જાહેર કર્યું છે. કટોકટી જેવી સ્થિતિ એ છે કે આ સમયે દેશભરમાં એક કે બે નહીં, પરંતુ એકસાથે ૬ શક્તિશાળી ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulations) અને એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbances) સક્રિય થયા છે. આ ભયાનક સિસ્ટમના કારણે આગામી થોડા દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ, આકાશી વીજળીના તબાહી મચાવતા કડાકા અને કલાકના ૭૦ કિલોમીટરની ઝડપે વિનાશક પવન ફૂંકાવાની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં દક્ષિણ રાજસ્થાન, પૂર્વ રાજસ્થાન, મધ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ વિદર્ભના આકાશ પર આ ચક્રવાતી સિસ્ટમો કુંડળું વળીને બેઠી છે. આ પ્રચંડ સિસ્ટમના પ્રભાવથી પૂર્વ અને દક્ષિણ ભારતમાં તોફાની વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જ્યારે દેશના અન્ય ભાગોમાં સૂર્યદેવતા પ્રકોપ વર્તાવી રહ્યા છે.
પૂર્વોત્તર રાજ્યો અને દક્ષિણ ભારતમાં આકાશી આફતનું તાંડવ
આગામી ૧૭ મે સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે મધ્યમ વરસાદની આશંકા છે. આ સિવાય અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ૨૧ અને ૨૨ મે દરમિયાન પૂર જેવી સ્થિતિ સર્જી શકે તેવો મુશળધાર વરસાદ પડવાની આશંકાથી તંત્રને સાબદું કરાયું છે.
બીજી તરફ, દક્ષિણ ભારતના કેરળ, માહે અને લક્ષદ્વીપ ટાપુઓમાં ૧૬ થી ૨૦ મે દરમિયાન વાવાઝોડા સાથે વ્યાપક વરસાદની આગાહી છે. ખાસ કરીને રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. રાયલસીમામાં ૧૯ અને ૨૦ મેના રોજ ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે કંપાવી દે તેવું વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે, જ્યારે કર્ણાટકના કેટલાક ભાગોમાં મોટા પાયે કરા પડવાની (Hailstorm) પણ આશંકા છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ આગામી ૨૨ મે સુધી દરિયો તોફાની બનશે અને ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે.
બિહાર-ઓડિશામાં તોફાન, તો ઉત્તર ભારતમાં 'લૂ' ના અગનગોળા
આ સિસ્ટમની અસર માત્ર દક્ષિણ પૂરતી મર્યાદિત નથી, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પણ વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાશે. જો કે, દેશમાં એક તરફ જ્યારે અડધો ભાગ પાણી-પાણી થઈ રહ્યો છે, ત્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હવામાન વિભાગે સખત 'હીટવેવ' (Heatwave) એટલે કે લૂ ની આકરી ચેતવણી આપી છે.
રાજસ્થાન અને યુપીમાં પારો તોડશે રેકોર્ડ:
હવામાન વિભાગના વિશેષ બુલેટિન અનુસાર, આગામી ૨૧ અને ૨૨ મેના રોજ પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ જોવા મળશે. અહીં તાપમાન તમામ રેકોર્ડ તોડી શકે છે, જેથી નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની અને હવામાનની પલપલની અપડેટ પર નજર રાખવાની કડક સલાહ આપવામાં આવી છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
