તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
દિલ્હી-NCRમાં કુદરતની બેવડી અસર: ધૂળની ડમરીઓ સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારોમાં મોટા કદના કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ
ભીષણ ગરમી વચ્ચે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી લોકોને મળી રાહત; ઈસ્ટ દિલ્હીના સીલમપુર અને યમુના વિહારમાં કરાનો કહેર, IMD દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર

નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) માં આજે સાંજે હવામાને જોરદાર પલટો લીધો છે. કાળઝાળ ગરમીથી પરેશાન દિલ્હીવાસીઓને અચાનક આવેલા ધૂળના વાવાઝોડા અને ત્યારબાદ શરૂ થયેલા મુશળધાર વરસાદથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો અને કરા પડવાને કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી-NCR માટે અગાઉથી જ ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું હતું. પૂર્વ દિલ્હીના સીલમપુર, યમુના વિહાર અને વિવેક વિહાર જેવા વિસ્તારોમાં વરસાદની સાથે મોટા કદના કરા પડ્યા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત ઈન્ડિયા ગેટ, ITIO અને કાશ્મીરી ગેટ જેવા વિસ્તારોમાં 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાયેલા તેજ પવને ધૂળની ડમરીઓ ઉડાડી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આજના વરસાદને કારણે દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજે મહત્તમ તાપમાન 39°C ની આસપાસ હતું, જે વરસાદને કારણે નીચે ઉતર્યું છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે, આ ફેરફાર ઉત્તર ભારતમાં સક્રિય થયેલા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' ને કારણે થયો છે. લાજપત નગર, કાલકાજી અને નહેરુ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 1 અને 2 મેના રોજ આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે, પરંતુ તાપમાન ફરીથી 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે 3 મેના રોજ ફરી એકવાર ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. અત્યારે પ્રશાસને લોકોને સલાહ આપી છે કે ખરાબ હવામાન દરમિયાન ઝાડ કે વીજળીના થાંભલા નીચે ઊભા રહેવાનું ટાળે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
