તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
દિલ્હી-NCRમાં કુદરતની બેવડી માર: પહેલા ધૂળની ડમરીઓ અને હવે વરસાદી ઝાપટાં!
કાળઝાળ ગરમી વચ્ચે વાવાઝોડાએ નોઈડા અને ફરીદાબાદને ધમરોળ્યું : ટ્રાફિક જામ અને ધૂળના ધુમ્મસથી જનજીવન પ્રભાવિત : હવામાન વિભાગે 'યલો એલર્ટ' જારી કરી લોકોને સાવધ રહેવા કરી અપીલ

નવી દિલ્હી : આજે દિલ્હી-NCRમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સહન કરી રહેલા લોકોને કુદરતે થોડી રાહત આપી છે. સાંજના 4 વાગ્યા પછી દિલ્હી, નોઈડા અને ફરીદાબાદમાં જોરદાર પવન સાથે વાવાઝોડું શરૂ થયું હતું, જેના પગલે કેટલાંક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી, પરંતુ ભારે પવનને કારણે નોઈડા જેવા વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવા વરસાદ માટે 'યલો એલર્ટ' જારી કરી લોકોને સુરક્ષિત સ્થાને રહેવા ચેતવણી આપી છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે દિલ્હી-NCRમાં ધૂળનું ધુમ્મસ છવાયું છે. પડોશી રાજ્યોમાંથી ઉડેલા ધૂળના કણોએ દિલ્હીની હવાની ગુણવત્તા (AQI) બગાડી છે, જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાઈ રહી છે. લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં ઘણું વધારે છે. આ અચાનક બદલાયેલા હવામાનને કારણે આકાશ વાદળછાયું રહ્યું છે, જે આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવના દર્શાવે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદની આ રાહત લાંબો સમય ટકશે નહીં. શનિવાર (આવતીકાલે) અને રવિવાર (પરમ દિવસે) આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે, પરંતુ પવન શમ્યા બાદ તાપમાનમાં ફરી તીવ્ર વધારો થશે. નિષ્ણાતોના મતે આગામી બે થી ત્રણ દિવસમાં પારો ૪૧ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે, જેનાથી લૂ જેવી સ્થિતિ સર્જાશે. રવિવારથી ઉત્તરપશ્ચિમ ભારતમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા સલાહ આપી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
