<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

યુરોપમાં કુદરતનો પ્રકોપ, આકાશી આફતથી હાહાકાર: ફ્રાન્સ-ઇટાલી સહિત અડધું યુરોપ ભયંકર ગરમીના મોજામાં શેકાયું, તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચતા હજારો શાળાઓ બંધ!

યુકેમાં તૂટશે ૫૦ વર્ષ જૂનો રેકોર્ડ; ગરમીથી બચવા નદી-તળાવમાં નહાવા પડેલા ૨૫ લોકોના ડૂબી જવાથી મોત, પેરિસમાં ટ્રેન સેવાઓ ખોરવાઈ અને સ્પેનમાં શરૂ કરાયા ‘ક્લાયમેટ રેફ્યુજ’ સેન્ટર્સ

પેરિસ : ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન (ક્લાયમેટ ચેન્જ) ની ભયાનક અસરો વચ્ચે અત્યારે સમગ્ર યુરોપ ખતરનાક અને શક્તિશાળી ‘હીટવેવ’ (ગરમીના મોજા) ની ચપેટમાં આવી ગયું છે. ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, જર્મની અને સ્પેન જેવા વિકસિત દેશોમાં સૂર્યદેવતા જાણે આગ ઓકી રહ્યા છે. આકાશી આફત સમાન આ ગરમીના કારણે પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે, જેના પગલે રેડ એલર્ટ જાહેર કરીને હજારો શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. સરકારે સ્થાનિક નાગરિકો સહિત પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ઘરોમાં જ સુરક્ષિત રહેવા માટે કડક આદેશો જારી કર્યા છે.

યુરોપના અલગ-અલગ દેશોમાં વર્તમાન પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી છે, જેનો ચિતાર નીચે મુજબ છે:

ફ્રાન્સ: ઇતિહાસનો સૌથી ગરમ જૂન મહિનો, સરકારે બોલાવી કટોકટી બેઠક

ફ્રાન્સના હવામાન વિભાગ ‘મેટિઓ ફ્રાન્સ’ ના સત્તાવાર ડેટા અનુસાર, ફ્રાન્સે ચાલુ વર્ષે જૂન મહિનામાં ઇતિહાસનું સૌથી વધુ સરેરાશ તાપમાન નોંધ્યું છે, જ્યાં દિવસ અને રાતનું સરેરાશ તાપમાન જ ૨૯.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. દેશના ૯૬ મુખ્ય ભાગોમાંથી ૫૪ વિસ્તારોમાં હાઈએસ્ટ લેવલનું ‘રેડ હીટવેવ એલર્ટ’ જાહેર કરાયું છે, જેનાથી અંદાજે ૩.૯ કરોડ વસ્તી પ્રભાવિત થઈ છે. ગરમીના કારણે ૧,૩૫૦ થી વધુ શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. પરિસ્થિતિ એટલી નાજુક છે કે વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ આજે મંગળવારે એક હાઈ-લેવલ કટોકટી બેઠક બોલાવવી પડી છે. આ ગરમી વચ્ચે એક હૃદયદ્રાવક ઘટનામાં, દક્ષિણ-પૂર્વ ફ્રાન્સમાં કારમાં બંધ રહી ગયેલા બે અને ચાર વર્ષના બે નિર્દોષ બાળકોના ગૂંગળામણ અને ગરમીના કારણે મોત નીપજ્યા છે. બીજી તરફ, ગરમીથી રાહત મેળવવા નદી અને તળાવોમાં નહાવા પડેલા અંદાજે ૨૦ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

યુનાઇટેડ કિંગડમ (UK): ૪૦ ડિગ્રી તાપમાન સાથે તૂટશે ૫૦ વર્ષ જૂનો રેકોર્ડ

બ્રિટનની મેટ ઓફિસે લંડન, બર્મિંગહામ અને બાથ સહિતના મધ્ય તેમજ દક્ષિણ ઇંગ્લેન્ડના વિસ્તારો માટે અસાધારણ ગરમીની ચેતવણી આપી છે. બુધવાર અને ગુરુવારે અહીં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે, આ પ્રચંડ ગરમીને કારણે વર્ષ ૧૯૭૬ (૫૦ વર્ષ પહેલાં) સ્થપાયેલો જૂન મહિનાનો ૩૫.૬ ડિગ્રી તાપમાનનો ઐતિહાસિક રેકોર્ડ પણ તૂટી જશે.

જર્મની અને બેલ્જિયમ: એરપોર્ટ પર મુસાફરોની તબિયત બગડી, શાળાઓના સમય અડધા કરાયા

જર્મનીમાં પણ ગરમીથી બચવા તળાવો અને દરિયામાં નહાવા ગયેલા પાંચ લોકોના ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત થયા છે. ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર રનવે (ટાર્મેક) પર વિમાન એક કલાક સુધી ઊભું રહેતા અંદર હાજર મુસાફરોની તબિયત લથડી હતી, જેમને મેડિકલ ઈમરજન્સી સેવાઓ આપવી પડી હતી. જ્યારે પાડોશી દેશ બેલ્જિયમમાં આગામી એક અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેવાની ધારણા હોવાથી તમામ શાળાઓનો સમય ઘટાડીને અડધો દિવસ કરી દેવાયો છે.

ઇટાલી અને સ્પેન: ઇલેક્ટ્રિક બસોની બેટરીઓ ફેઇલ, ગરીબો માટે ‘ક્લાયમેટ રેફ્યુજ’ શરૂ

ઇટાલીના આરોગ્ય મંત્રાલયે રોમ અને મિલાન સહિત ૧૫ થી વધુ અગ્રણી શહેરો માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરીને લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા જણાવ્યું છે. રોમ શહેરમાં ગરમી એટલી અસાધારણ છે કે સતત એર કન્ડીશનીંગ (AC) ચાલવાને કારણે નવી ઇલેક્ટ્રિક બસોની બેટરીઓ ખૂબ જ ઝડપથી ખાલી થઈ રહી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ખોરવાઈ ગયું છે. બીજી તરફ, સ્પેનની રાજધાની મેડ્રિડમાં તાપમાન ૪૦ ડિગ્રી થતાં સરકારે બેઘર અને ગરીબ લોકો માટે ખાસ ‘ક્લાયમેટ રેફ્યુજ’ (ઠંડક આપતા આશ્રયસ્થાનો) ખોલ્યા છે, જ્યાં તેમને મફત પાણી, ખોરાક અને એસીની સુવિધા આપવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો ગ્લોબલ વોર્મિંગ પર કાબૂ નહીં મેળવાય, તો આગામી સમયમાં યુરોપના દેશોએ આવી વધુ લાંબી અને ઘાતક ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.

(7:08 PM IST)