<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

વેનેઝુએલામાં કુદરતનો પ્રકોપ: બે જોડિયા ભૂકંપે સર્જી પ્રચંડ તબાહી, મૃત્યુઆંક વધીને ૫૮૯ થયો; કાટમાળ વચ્ચે જિંદગીની શોધમાં ભારત સહિત વૈશ્વિક બચાવ ટીમો જોડાઈ!

૩,૦૦૦થી વધુ લોકો ઘાયલ, ૧૦૦થી વધુ ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત: મુખ્ય એરપોર્ટ બંધ થતાં રાહત કામગીરી ખોરવાઈ, સુપરમાર્કેટોમાં લૂંટફાટ અને અરાજકતા વચ્ચે ભારતે મોકલ્યા બે ‘C-17 ગ્લોબમાસ્ટર’ વિમાનો

કારાકાસ : દક્ષિણ અમેરિકાના તેલ સમૃદ્ધ દેશ વેનેઝુએલામાં પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તરી વેનેઝુએલામાં ઉપરાઉપરી આવેલા બે અત્યંત શક્તિશાળી અને વિનાશક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૫૮૯ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૩,૦૦૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે આપત્તિની ગંભીરતા સ્વીકારતા આ આંકડા જાહેર કર્યા છે. કાટમાળ નીચે ફસાયેલા સેંકડો લોકોને જીવતા બહાર કાઢવા માટે સ્થાનિક કટોકટી સેવાઓ સમય સામે કટોકટીની જંગ લડી રહી છે. આ આપત્તિમાં દરિયાકાંઠાનું ‘લા ગુએરા’ રાજ્ય સૌથી વધુ બરબાદ થયું છે, જ્યાં જોતજોતામાં ૧૦૦ થી વધુ વિશાળ રહેણાંક ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે.

ભારતની વ્હારે ‘ઓપરેશન એમિસ્ટાડ’: આંતરરાષ્ટ્રીય મદદનો પ્રવાહ શરૂ

આ કપરા સમયમાં વૈશ્વિક સમુદાય વેનેઝુએલાની વ્હારે આવ્યો છે. ભારતે પણ માનવતાવાદી અભિગમ અપનાવીને ત્વરિત સહાય પૂરી પાડવા માટે ‘ઓપરેશન એમિસ્ટાડ’ (Operation Amistad) લોન્ચ કર્યું છે. ભારતીય વાયુસેના (IAF) ના બે વિશાળકાય C-17 ગ્લોબમાસ્ટર વિમાનો રાહત સામગ્રી, તબીબી પુરવઠો અને વિશિષ્ટ સાધનો સાથે વેનેઝુએલા રવાના કરવામાં આવ્યા છે. ભારત ઉપરાંત અમેરિકા, સ્પેન, મેક્સિકો, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ અને ફ્રાન્સ જેવા દેશોની હાઈટેક સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો પ્રશિક્ષિત શ્વાનો અને અત્યાધુનિક લાઈફ-ડિટેક્ટર મશીનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જગદગુરુ પોપ લીઓ XIV એ પણ પ્રારંભિક રાહત તરીકે ૧,૦૦,૦૦૦ યુરોની આર્થિક મદદ મોકલી છે.

ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની વર્તમાન સ્થિતિ અને પડકારો:

·         વિદેશી નાગરિકો પણ ભોગ બન્યા: મૃતકોમાં ૯ પોર્ટુગીઝ, ૩ સ્પેનિશ, ૨ બ્રાઝિલિયન અને ૨ ચીની નાગરિકો સામેલ છે. જ્યારે ૯૯ સ્પેનિશ અને ૫૬ પોર્ટુગીઝ નાગરિકો હજુ પણ ગુમ છે.

·         મુખ્ય એરપોર્ટ બંધ: લા ગુએરામાં આવેલું દેશનું મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભૂકંપમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થતાં તેને બંધ કરી દેવાયું છે, જેના કારણે વિદેશથી આવતી રાહત સામગ્રી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

·         ભૂખમરો અને લૂંટફાટ: સંસાધનોની તીવ્ર અછત અને પ્રશિક્ષિત કર્મચારીઓની અછત વચ્ચે લા ગુએરામાં ભૂખથી વ્યાકુળ બનેલા સ્થાનિક રહેવાસીઓ દ્વારા સુપરમાર્કેટોમાં લૂંટફાટ ચલાવવામાં આવી રહી હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

આર્થિક-રાજકીય કટોકટી વચ્ચે કુદરતી આફતનો બેવડો માર

આ વિનાશક ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે વેનેઝુએલા પહેલેથી જ ગંભીર આર્થિક અને રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે દેશમાં સત્તાવાર સંક્રમણ કાળ ચાલી રહ્યો છે. આ દરમિયાન વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના માચાડોએ ભાવુક અપીલ કરતાં જણાવ્યું છે કે, "આખો દેશ અત્યારે ઊંડા શોકમાં ડૂબેલો છે, તેથી સરકારે તમામ રાજકીય અને લશ્કરી કેદીઓને મુક્ત કરવા જોઈએ જેથી તેઓ આ મુશ્કેલ ઘડીમાં પોતાના પરિવાર સાથે રહી શકે." સંયુક્ત રાષ્ટ્ર (UN) ના વડા એન્ટોનિયો ગુટેરેસે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરીને વેનેઝુએલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબાગાળાની મદદ આપવાનું વચન આપ્યું છે.

(9:00 PM IST)