News of Thursday, 25th June 2026
કુદરતનો પ્રકોપ: એક સદીના સૌથી ભયાનક ભૂકંપથી ધ્રુજ્યું વેનેઝુએલા, ૧૬૪થી વધુના મોત; વડાપ્રધાન મોદી સહિત વિશ્વના નેતાઓએ વ્યક્ત કરી સંવેદના, ભારત આપશે તમામ સંભવિત મદદ
૭.૨ અને ૭.૫ ની તીવ્રતાના બે આંચકાથી ભારે તબાહી બાદ કટોકટી જાહેર; અમેરિકા, સ્પેન અને મેક્સિકો રાહત સામગ્રી મોકલશે, અલ સાલ્વાડોરે ૩૦૦ બચાવકર્મીઓ સાથે ૫૦ ટન દવાઓ કારાકાસ રવાના કરી

નવી દિલ્હી : દક્ષિણ અમેરિકાના પ્રમુખ દેશ વેનેઝુએલામાં કુદરતે કાળો કેર વર્તાવ્યો છે. ગઈકાલે રાત્રે આવેલા એક સદીના સૌથી શક્તિશાળી અને વિનાશક ભૂકંપના કારણે સમગ્ર દેશ ધ્રુજી ઉઠ્યો છે. રિક્ટર સ્કેલ પર ૭.૨ અને ૭.૫ ની તીવ્રતા ધરાવતા બે ઉપરાઉપરી પ્રચંડ ભૂકંપના આંચકાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૬૪ નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૯૭૧ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલો છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટીની સ્થિતિ (સ્ટેટ ઓફ ઈમરજન્સી) જાહેર કરી દીધી છે. આ ભયાનક આપત્તિના સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના તમામ મોટા નેતાઓએ વેનેઝુએલાના લોકો સાથે અતૂટ એકતા વ્યક્ત કરીને મોટી મદદની જાહેરાત કરી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને મદદનો હાથ લંબાવ્યો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક સંવેદનશીલ પોસ્ટ શેર કરીને વેનેઝુએલામાં થયેલી જાનમાલની ભારે તબાહી પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ વેનેઝુએલા સરકાર અને ત્યાંની જનતા, ખાસ કરીને પોતાના સ્વજનો ગુમાવનારા પીડિત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી ઉમેર્યું કે, "આ કપરા સમયમાં ભારત અસરગ્રસ્ત તમામ લોકોની સાથે મજબૂતીથી ઉભું છે અને આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે ભારત વેનેઝુએલાને શક્ય તમામ સંભવિત મદદ પૂરી પાડશે."
વૈશ્વિક મંચ પરથી વેનેઝુએલા માટે ઉમટ્યો મદદનો પ્રવાહ
ભૂકંપની ભયાનકતાને જોતા વિશ્વના શક્તિશાળી દેશોએ તુરંત જ બચાવ કામગીરી માટે હાથ લંબાવ્યો છે:
· અમેરિકા: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન તરફથી સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. તેમણે અમેરિકી સરકારી એજન્સીઓને યુદ્ધના ધોરણે સક્રિય થઈને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડવા કડક નિર્દેશ આપ્યા છે.
· અલ સાલ્વાડોર: રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ સૌથી મોટી મદદ મોકલતા જાહેરાત કરી છે કે, રાહત કાર્યોમાં સીધી મદદ કરવા માટે ૫૦ ટન અત્યાધુનિક સાધનો, જીવનરક્ષક દવાઓ અને આવશ્યક પુરવઠા સાથે ૩૦૦ પ્રોફેશનલ બચાવકર્તા અને પેરામેડિક્સની ટીમ વેનેઝુએલાની રાજધાની કારાકાસ જવા માટે સંપૂર્ણ તૈયાર છે.
· મેક્સિકો અને સ્પેન: મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ અને સ્પેનિશ પીએમ પેડ્રો સાંચેઝે પણ વેનેઝુએલા સાથે એકતા દર્શાવીને મોટા પાયે માનવતાવાદી સહાય તૈયાર રાખવા અધિકારીઓને સૂચના આપી દીધી છે.
આ ઉપરાંત ઇક્વાડોર, ક્યુબા, ઉરુગ્વે અને ચિલી જેવા પડોશી દેશોની સરકારોએ પણ આ કુદરતી હોનારતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ગાઢ સહાનુભૂતિ પ્રગટ કરી છે. વેનેઝુએલાના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, કાટમાળ હટાવવાની કામગીરી હજુ પણ ચાલુ હોવાથી આગામી સમયમાં મૃત્યુઆંક હજુ વધુ વધવાની આશંકા છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
