<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

અરુણાચલમાં કુદરતી આફતનો તાંડવ: ભૂસ્ખલન અને પૂરમાં ૪ મજૂરોના મોત, સેનાના ૫ જવાનો લાપતા

ભારે વરસાદ બાદ અપર સુબનસિરી અને દિબાંગ વેલીમાં સર્જાયેલી દુર્ઘટનાઓથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ

ઈટાનગર: અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે સાંજે થયેલા ભારે વરસાદના કારણે અપર સુબનસિરી અને દિબાંગ વેલી જિલ્લામાં કુદરતી આફતે ભારે તબાહી સર્જી છે, જેમાં એક તરફ ભૂસ્ખલનના કારણે ૪ મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો બીજી તરફ આર્મી કેમ્પમાં પૂરમાં તણાઈ જવાથી સેનાના ૫ જવાનો લાપતા થતા ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, અપર સુબનસિરી જિલ્લાના કેઓજારિંગ-બાયચિંગ માર્ગ નિર્માણ સ્થળ પર અચાનક થયેલા મોટા ભૂસ્ખલનને કારણે કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં તાડુ બાકી, તાજી રાય, માર્કોશ બાસુમાતારી અને બાબુલ અલી નામના વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. તંત્ર દ્વારા બાબુલ અલીનો મૃતદેહ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ માટે સ્થાનિક પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી છે.

બીજી તરફ, દિબાંગ વેલી જિલ્લામાં પ્રકૃતિનો પ્રકોપ આર્મી કેમ્પ પર વર્તાયો હતો. શુક્રવારે સાંજે થયેલી મુશળધાર વરસાદને પગલે પાસુ પાણી આર્મી કેમ્પમાં આવેલા ૫મી ગ્રેનેડિયરના બે આશ્રયસ્થાનો અચાનક આવેલા પૂરમાં તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સેનાના પાંચ જવાનો લાપતા થયા છે, જેમને શોધવા માટે આર્મી અને આઈટીબીપી (ITBP) દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ વિસ્તારમાં અગાઉ પણ ચોમાસા દરમિયાન ભૂસ્ખલન અને પૂરની સમસ્યાઓ જોવા મળી છે, જે આ વર્ષે અત્યંત વિનાશક સાબિત થઈ રહી છે. હાલમાં બંને ઘટનાસ્થળોએ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં હેલિકોપ્ટર કે અન્ય વિશેષ સાધનોનો ઉપયોગ કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા અસરગ્રસ્તોના પરિવારોને સહાય અને મદદ પહોંચાડવાની કામગીરી પણ પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવશે.

(2:30 PM IST)