તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
અંકારામાં જામશે નાટો દેશોનો મહાકુંભ: ટ્રમ્પના ભારે દબાણ વચ્ચે સંરક્ષણ બજેટ, યુક્રેન યુદ્ધ અને ગ્લોબલ સિક્યોરિટી પર લેવાશે નિર્ણાયક ફેંસલા
અંકારા સમિટ પર સમગ્ર વિશ્વની નજર: ૨૦૩૫ સુધીમાં સંરક્ષણ ખર્ચ જીડીપીના ૫ ટકા સુધી લઈ જવા મંથન, ટ્રમ્પની 'બોજ-વહેંચણી' ની નીતિથી યુરોપિયન દેશો ટેન્શનમાં

અંકારા : વૈશ્વિક સુરક્ષા અને સૈન્ય સંગઠન 'નાટો' (NATO) ના નેતાઓ મંગળવાર અને બુધવારે તુર્કીના અંકારા ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-સ્ટેક સમિટ માટે એકત્રિત થઈ રહ્યા છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપિયન સાથી દેશો પર પોતાની સુરક્ષાની જવાબદારી પોતે જ ઉપાડવા અને સૈન્ય ખર્ચ વધારવા માટે આક્રમક દબાણ કરી રહ્યા છે. આ હાઈ પ્રોફાઈલ સમિટમાં સંરક્ષણ ખર્ચ, લશ્કરી ઉત્પાદન વધારવા અને યુક્રેન માટે સતત આર્થિક-સૈન્ય સમર્થન જેવા ગંભીર મુદ્દાઓ એજન્ડાના ટોચ પર રહેશે.
ગયા વર્ષે હેગમાં યોજાયેલી સમિટમાં નાટો સભ્યોએ ૨૦૩૫ સુધીમાં સંરક્ષણ અને સુરક્ષા ખર્ચ વધારીને જીડીપી (GDP) ના ૫ ટકા કરવા સંમતિ આપી હતી, જે અંતર્ગત ૩.૫ ટકા મુખ્ય સંરક્ષણ અને ૧.૫ ટકા સુરક્ષા રોકાણ માટે નક્કી કરાયા છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે આ સમિટમાં સભ્યોને આ લક્ષ્ય યાદ અપાવશે. જોકે, તમામ દેશોની પ્રગતિ એકસરખી નથી. જર્મની ૨૦૩૦ સુધીમાં પોતાનું સંરક્ષણ બજેટ બમણું કરીને ૨૦૦ બિલિયન યુરોથી વધુ કરવાની યોજના ધરાવે છે અને પોલેન્ડે તેનો ખર્ચ ૪.૩ ટકા સુધી વધારી દીધો છે. પરંતુ બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન જેવા દેશો આર્થિક અવરોધોના કારણે લક્ષ્યાંકથી પાછળ ચાલી રહ્યા છે.
આ સમિટ ઈરાન સંઘર્ષ, ગ્રીનલેન્ડ અને અમેરિકા દ્વારા યુરોપમાંથી સૈનિકો ઘટાડવાની જાહેરાત બાદ વધી રહેલા ટ્રાન્સએટલાન્ટિક તણાવ વચ્ચે યોજાઈ રહી છે. આ સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સહિત તમામ ૩૨ સભ્ય દેશોના વડાઓ હાજર રહેશે. મંગળવારે યોજાનારા ખાસ રાત્રિભોજનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ અને યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ પણ સામેલ થશે. ડ્રાફ્ટ ઘોષણાપત્ર મુજબ, હવે યુરોપ અને કેનેડાએ અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે સામૂહિક સંરક્ષણની વધુ જવાબદારી લેવી પડશે.
સમિટમાં નાટો દેશો વર્ષ ૨૦૨૬ માટે યુક્રેનને ૭૦ બિલિયન યુરોનું નવું સૈન્ય સહાય પેકેજ, હથિયારો અને તાલીમ આપવાનું વચન આપશે, અને ૨૦૨૭ માં પણ આ જ સ્તર જાળવી રાખશે. આશ્ચર્યની વાત એ છે કે આ ભંડોળ યુરોપિયન યુનિયનની લોન સુવિધા અને દ્વિપક્ષીય કરારોમાંથી આવશે, જેમાં અમેરિકા તરફથી કોઈ નવું આર્થિક યોગદાન અપેક્ષિત નથી. આ ઉપરાંત, અંકારામાં એક મોટું ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ ફોરમ પણ યોજાશે, જેમાં હથિયારોનું ઉત્પાદન વધારવા માટે અબજો ડોલરના નવા કરારો થઈ શકે છે.
યજમાન દેશ હોવાના નાતે, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન પોતાના ઝડપથી વિકસતા સંરક્ષણ ઉદ્યોગનું પ્રદર્શન કરશે. તેઓ નાટોની અંદર સંરક્ષણ વેપાર પરના પ્રતિબંધો હટાવવાની માંગ કરશે. સાથે જ, એર્દોગન યુએસ પ્રમુખ ટ્રમ્પને તુર્કી પરના અમેરિકી પ્રતિબંધો હટાવવા અને તેને એફ-૩૫ (F-35) ફાઇટર જેટ પ્રોગ્રામમાં ફરી સામેલ કરવા માટે વ્યક્તિગત રીતે વિનંતી કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ સમિટની સમાંતરે ખાડી દેશો (બહેરીન, કુવૈત, કતાર, UAE) અને ક્વાડ ભાગીદારો (ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા) સાથે પણ સંરક્ષણ મંત્રીઓની મહત્વની બેઠકો યોજાશે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
