<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

વરિષ્ઠ નાગરિકો-યુવાનો વચ્‍ચે સંવાદ વધારવા દેશવ્‍યાપી અભિયાન

કેન્‍દ્રની યોજનાઃ ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકો ‘વયો સાથી' સ્‍વયંસેવક બનીને વૃદ્ધોને મદદ કરી શકશે : મંત્રી વીરેન્‍દ્રકુમાર આજે ‘વયો સન્‍માન રાષ્ટ્રીય અભિયાન'નો પ્રારંભ કરાવશે

નવી દિલ્‍હી,તા.૪: કેન્‍દ્ર સરકાર વરિષ્ઠ નાગરિકો અને યુવા પેઢી વચ્‍ચે સાતત્‍યપૂર્ણ સંવાદ અને જોડાણને પ્રોત્‍સાહન આપવા બુધવારથી દેશવ્‍યાપી અભિયાન શરૂ કરશે. આ અભિયાનમાં પરસ્‍પર સન્‍માન, સામાજિક સર્વસમાવેશ અને વૃદ્ધોની સુખાકારીમાં યુવાનોની સક્રિય ભાગીદારી પર વિશેષ ભાર મૂકાશે. કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રી વીરેન્‍દ્રકુમાર નવી દિલ્‍હીમાં અટલ વયો અભ્‍યુદય યોજના (AVYAY) હેઠળ 'વયો સન્‍માન રાષ્ટ્રીય અભિયાન'નો શુભારંભ કરશે.

મંત્રાલયે જણાવ્‍યું હતું કે આ અભિયાનનો હેતુ જુદી જુદી પેઢીઓ વચ્‍ચે અર્થપૂર્ણ અને સતત જોડાણ સ્‍થાપિત કરવાનો છે. તેના દ્વારા પરસ્‍પર સન્‍માન, સમજણ, સાથસહકાર અને સહિયારી જવાબદારીની ભાવનાને પ્રોત્‍સાહન અપાશે. આની સાથે જ વરિષ્ઠ નાગરિકોએ સમાજમાં આપેલા યોગદાનું બહુમાન કરાશે અને સન્‍માનપૂર્ણ વૃદ્ધત્‍વ માટે યુવાનોની ભાગીદારીમાં વધારો કરશે.

આ પહેલ 'કનેક્‍ટ, કન્‍વર્સ, કો-ક્રિએટ, કન્‍ટ્રિબ્‍યુટઅને કન્‍ટિન્‍યુ' નામના પાંચ મુદ્દાના મોડેલ પર આધારિત છે. તેના માધ્‍યમથી વિવિધ પેઢીઓ વચ્‍ચે અર્થપૂર્ણ સંબંધો વિકસાવવા અને સામુદાયિક ભાગીદારી દ્વારા તેને સતત જાળવી રાખવાનું માળખું તૈયાર કરાશે.

ભારતમાં બદલાતી વસ્‍તી વિષયક પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરાઈ રહ્યું છે. દેશમાં ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોની સંખ્‍યા ૨૦૧૧માં આશરે ૧૦ કરોડ હતી, જે ૨૦૩૬ સુધીમાં વધીને ૨૩ કરોડ થવાનો અંદાજ છે. કુલ વસ્‍તીમાં તેમનું પ્રમાણ પણ ૮.૪ ટકાથી વધીને ૧૪.૯ ટકા થવાની સંભાવના છે.

આ અભિયાન ૧૨ મુદ્દા આધારિત હશે. '૩૦ મિનિટ ટુગેર,' 'ટીચ મી-આઈ વીલ ટીચ યુ', 'માય સ્‍ટોરી, માય ઇન્‍ડિયા', 'ડિજિટલ દાદા-દાદી/ડિજિટલ સાથી', 'જનરેશન હેલ્‍થ એન્‍ડ વેલનેસ' જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

આ પ્રવૃત્તિઓ દ્વારા ઇતિહાસ અને સાંસ્‍કૃતિક આદાનપ્રદાન, ડિજિટલ સાક્ષરતા, આરોગ્‍ય જાગૃતિ, સુખાકારી, કૌશલ્‍યની આપ-લે અને માર્ગદર્શન જેવી બાબતોને પ્રોત્‍સાહન અપાશે. વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવામાં મદદ કરવા તેમજ સંભવિત સાયબર છેતરપિડી ઓળખવામાં સહાય કરવા માટે યુવાનોને પ્રોત્‍સાહિત કરાશે.

અભિયાનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્‍સો 'વયો સાથી' (સપોર્ટ, અવેરનેસ, આસિસ્‍ટન્‍સ, ટ્રેનિગ, હેલ્‍થ એન્‍ડ ઇન્‍ફલુઝન) નામની ડિજિટલ સ્‍વયંસેવક પહેલનો પ્રારંભ હશે. ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા તમામ નાગરિકો આ પહેલમાં જોડાઈ શકશે. તેનો ઉદ્દેશ્‍ય દેશભરમાં સ્‍વયંસેવકોનું નેટવર્ક ઊભું કરવાનો છે, જેથી તેઓ સ્‍થાનિક સ્‍તરે વરિષ્ઠ નાગરિકોની મદદ માટે યોગદાન આપી શકે. આ પહેલમાં જોડાવા ઈચ્‍છતા નાગરિકો સિનિયર સિટિઝન્‍સ વેલફેર (SCW) સમાવેશ પોર્ટલ અથવા જીવન એપ દ્વારા નોંધણી કરાવી શકશે.

(10:34 AM IST)