<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

રાષ્ટ્રીય યુવા સંસદ યોજના 2.0 પોર્ટલ પર દેશભરમાંથી નોંધાઈ અભૂતપૂર્વ ભાગીદારી: ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનોમાં ભારે ઉત્સાહ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ મોખરે

વ્યક્તિગત નોંધણીઓમાં મધ્યપ્રદેશ જ્યારે સંસ્થાકીય નોંધણીઓમાં ઉત્તરાખંડ બન્યું નંબર વન: શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકો માટે પોર્ટલ ખુલ્લું મુકાતા લોકશાહીની તાલીમ માટે યુવાનોમાં ઉમટી ભીડ.

નવી દિલ્હી: કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા અપગ્રેડ કરીને શરૂ કરવામાં આવેલા 'રાષ્ટ્રીય યુવા સંસદ યોજના 2.0' (NYPS 2.0) વેબ પોર્ટલને દેશભરમાંથી અપાર પ્રતિસાદ સાંપડ્યો છે. ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લાખો યુવાનો અને શૈક્ષણિક સંસ્થાઓએ આ પોર્ટલ પર ઉત્સાહભેર નોંધણી કરાવી છે. અગાઉ આ યોજના માત્ર માન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ પૂરતી જ મર્યાદિત હતી, પરંતુ NYPS 2.0 અંતર્ગત હવે દેશભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા જૂથો અને સામાન્ય નાગરિકો માટે પણ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેને કારણે લોકશાહી પ્રત્યેનો યુવાનોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

સંકલિત ડેટા અનુસાર, વ્યક્તિગત નોંધણીઓની શ્રેણીમાં મધ્યપ્રદેશ ૧૩,૪૦૪ એન્ટ્રીઓ સાથે સમગ્ર દેશમાં મોખરાના સ્થાને છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશ ૫,૪૩૭ નોંધણીઓ સાથે બીજા સ્થાને, જમ્મુ અને કાશ્મીર ૩,૩૯૧ સાથે અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ૩,૨૦૪ નોંધણીઓ સાથે આગળ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ૨,૯૫૬ અને રાજસ્થાનમાં ૨,૩૯૭ વ્યક્તિગત નોંધણીઓ નોંધાઈ છે. બીજી તરફ, સંસ્થાકીય નોંધણીઓની વાત કરીએ તો ઉત્તરાખંડ ૭૯૨ સંસ્થાઓ સાથે પ્રથમ ક્રમે, હિમાચલ પ્રદેશ ૭૫૮ સાથે બીજા અને મધ્યપ્રદેશ ૬૨૦ સંસ્થાઓ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. જૂથ નોંધણીઓમાં ઉત્તરપ્રદેશ ૧૨૯ જૂથો સાથે સૌથી આગળ છે.

નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પણ નોંધપાત્ર ભાગીદારી નોંધાઈ છે, જેમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, ચંદીગઢ તેમજ લદ્દાખ અને લક્ષદ્વીપ સુધીના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આ વિસ્તરણનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા સંસદ જેવી પ્રવૃત્તિઓને વધુ સમાવેશી બનાવવાનો છે, જેથી કોઈપણ સંસ્થાકીય અવરોધ વગર દેશનો પ્રત્યેક યુવાન લોકશાહીની આ પ્રક્રિયા સાથે સીધો જોડાઈ શકે અને સંસદીય મૂલ્યોને આત્મસાત કરી શકે.

(8:41 PM IST)