<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

પરીક્ષા ગેરરીતિઓ અને પેપર લીક સામે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો મોટો પ્રહાર: તંત્રનું ઓવરહોલિંગ કરી ઉચ્ચ સ્તરે નવી સ્પેશિયલિસ્ટ કેડર રચાઈ, તપાસ અને સાયબર સુરક્ષા માટે નિષ્ણાતોની ભરતી શરૂ

​NEET-UG પેપર લીક અને પરીક્ષાઓની વિવાદસ્પદ સ્થિતિ બાદ છાત્રોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા NTAનું મોટું પગલું: CBI, IB અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન સાધી ઝડપી તપાસ કરવા માટે વિજિલન્સ-ફોરેન્સિક મોનિટરિંગ, અણભેદ આઇટી સિક્યોરિટી અને શૂન્ય વિક્ષેપ સાથે કેન્દ્રોના સંચાલન માટે જનરલ મેનેજરોની નિમણૂક કરાશે

​નવી દિલ્હી:​દેશભરમાં યોજાતી વિવિધ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓની પારદર્શિતા સામે ઊભા થયેલા ગંભીર પ્રશ્નો અને તાજેતરના NEET-UG પેપર લીકના મોટા વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોતાના વહીવટી માળખામાં મૂળભૂત અને ક્રાંતિકારી ફેરફારો કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. એજન્સી દ્વારા કાયમી અને વ્યાવસાયિક કેડર ઊભી કરીને પરીક્ષા પ્રણાલીની છબી સુધારવા તેમજ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ઉચ્ચ કક્ષાની નવી સ્પેશિયલિસ્ટ પાંખો કાર્યરત કરવામાં આવી રહી છે. હવે કન્ટ્રાક્ટ કે આઉટસોર્સ સ્ટાફ પર નિર્ભર રહેવાને બદલે એજન્સીએ પોતાના આંતરિક સુરક્ષા કવચને મજબૂત કરવા માટે તપાસ, આઇટી સુરક્ષા અને પરીક્ષા કેન્દ્રોના સંચાલન માટે સુપર-વિશેષજ્ઞ અધિકારીઓની ભરતી પ્રક્રિયાને વેગ આપ્યો છે.

​તપાસ અને ડિજિટલ ફોરેન્સિક્સ માટે અલગ જીએમ કક્ષાના અધિકારી:

નવા માળખા હેઠળ એજન્સીએ 'જનરલ મેનેજર – વિજિલન્સ, ઇન્વેસ્ટિગેશન અને ફોરેન્સિક્સ' (GM-VIF) ના અત્યંત મહત્વના પદની જાહેરાત કરી છે. આ અધિકારી પરીક્ષામાં પેપર લીક, ડમી ઉમેદવારો બેસાડવા (ઈમ્પર્સનેશન) અને કોઈપણ પ્રકારની ઠગાઈ જેવા ગુનાઓની અત્યંત ઝડપી અને સઘન તપાસનું નેતૃત્વ કરશે. આ સિવાય સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને સંશયસ્પદ ગતિવિધિઓનું વિશ્લેષણ, સાયબર ધમકીઓનું ટ્રેકિંગ અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ (ફાઇનાન્શિયલ ટ્રેઇલ્સ) પર નજર રાખવા માટે મજબૂત ડિજિટલ ફોરેન્સિક સિસ્ટમ તૈયાર કરાશે. આ ઉચ્ચ અધિકારી CBI, આઇબી (IB), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), રાજ્ય પોલીસ અને સાયબર ક્રાઇમ યુનિટ્સ સાથે મુખ્ય સંપર્ક સૂત્ર તરીકે કાર્ય કરશે અને જરૂર પડે દેશભરમાં તપાસ સ્થળો કે અદાલતોમાં એજન્સીનું પ્રતિનિધિત્વ કરશે.

​સાયબર સુરક્ષા અને ૨૪ કલાક મોનિટરિંગ રૂમ:

માહિતી ટેકનોલોજીની સુરક્ષા માટે 'જનરલ મેનેજર – ઇન્ફોર્મેશન સિક્યોરિટી' (CISO) ની નિમણૂક કરવામાં આવશે, જે NTAની સમગ્ર ડિજિટલ સિસ્ટમને અણભેદ સુરક્ષા કવચ પ્રદાન કરશે. આ વિભાગ હેઠળ ૨૪ કલાક કાર્યરત રહેતું 'સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર' (SOC) શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, CERT-In અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયની માર્ગદર્શિકાઓનું કડક પાલન કરાવવાની સાથે ટેકનોલોજી વેન્ડર્સ પર કડક સિક્યોરિટી મોનિટરિંગ રાખવામાં આવશે.

​ઝોનલ નેટવર્ક અને 'ઝીરો-ડિસરપ્શન' મોડેલ:

પરીક્ષા કેન્દ્રો પર થતી ગોટાળાબાજી અને વ્યવસ્થાપકીય ખામીઓ રોકવા માટે 'જનરલ મેનેજર – ટેસ્ટ સેન્ટર નેટવર્ક એન્ડ ઓપરેશન્સ' (GM-TCNO) ની કેડર ઊભી કરાઈ છે. આ અધિકારીનો મુખ્ય ધ્યેય દેશભરના સેંકડો કેન્દ્રો પર 'ઝીરો-ડિસરપ્શન' એટલે કે કોઈપણ વિક્ષેપ વિના સુચારુ પરીક્ષાનું આયોજન કરવાનો રહેશે. ગ્રામીણ અને પછાત વિસ્તારો (Tier-3, Tier-4 અને આકાંક્ષી જિલ્લાઓ) સુધી શ્રેષ્ઠ પરીક્ષા કેન્દ્રોનું નેટવર્ક વિસ્તારી ઉમેદવારો માટે સુવિધાઓ સુધારવામાં આવશે તેમજ સ્થાનિક અને જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ વિભાગ સાથે સીધું સંકલન જાળવવામાં આવશે.

​સંપૂર્ણ ઓવરહોલિંગ માટે તબક્કાવાર મોટી ભરતી ઝુંબેશ:

ઉલ્લેખનીય છે કે, NTA એ ચાલુ વર્ષ દરમિયાન સંસ્થાકીય પુનર્ગઠન માટે શ્રેણીબદ્ધ ભરતીઓ જાહેર કરી છે. આ પહેલાં ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO), ચીફ ફાઇનાન્સ ઓફિસર (CFO) અને જીએમ-હ્યુમન રિસોર્સિસ (GM-HR) જેવી જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ જુલાઈ માસમાં જોઇન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, રિસર્ચ સાયન્ટિસ્ટ અને સીનિયર સુપ્રિન્ટેન્ડન્ટ જેવી ૯ મહત્વની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ સિવાય એસેસમેન્ટ રિસર્ચ એન્ડ સાયકોમેટ્રિક્સ વિભાગ સહિત UPSCના 'પ્રતિભા સેતુ' પોર્ટલ દ્વારા ૧૬ યંગ પ્રોફેસનલ્સની પણ નિમણૂક કરવામાં આવી રહી છે, જેથી કરીને દેશની આ સર્વોચ્ચ ટેસ્ટિંગ એજન્સીમાં વિશ્વાસ અને પારદર્શિતાનો નવો યુગ શરૂ કરી શકાય.

(2:33 PM IST)