<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

રાષ્ટ્રીય આદર અને શિષ્ટાચાર: રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ક્યારે, કઈ રીતે અને કયા ક્રમમાં વગાડવું? ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો માટે જારી કર્યા કડક આદેશો!

એક જ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત (જન ગણ મન) અને રાષ્ટ્રગાન (વંદે માતરમ) બંને રજૂ કરવાના હોય તો પહેલા કયું ગાવું તે અંગેની મૂંઝવણ દૂર; ખોટા ઉચ્ચારણો કરનારાઓ સામે લેવાશે કડક પગલાં, સત્તાવાર લખાણ વેબસાઈટ પર ઉપલબ્ધ

નવી દિલ્હી : દેશની શાન અને સાર્વભૌમત્વના પ્રતીક સમાન રાષ્ટ્રગીત (National Anthem) અને રાષ્ટ્રગાન (National Song) ના આદર અને પ્રસ્તુતિને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રો અને કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો તેમજ વિભાગોને નવા કડક દિશાનિર્દેશો જારી કર્યા છે. ૯ જુલાઈના રોજ મોકલવામાં આવેલા આ સત્તાવાર પત્રમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાવા તેમજ વગાડવા સંબંધિત સ્થાપિત નિયમોનું દેશભરમાં અક્ષરશઃ અને કડકાઈથી પાલન કરવામાં આવે.

મૂંઝવણ થઈ દૂર: પહેલા કયું ગીત ગવાશે કે વગાડાશે?

ઘણી વખત જાહેર કાર્યક્રમોમાં એ મૂંઝવણ જોવા મળતી હોય છે કે રાષ્ટ્રગીત 'જન ગણ મન' અને રાષ્ટ્રગાન 'વંદે માતરમ' માંથી પ્રથમ કયું રજૂ કરવું. ગૃહ મંત્રાલયે આ પત્ર દ્વારા સ્પષ્ટ પુનરોચ્ચાર કર્યો છે કે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને એકસાથે રજૂ કરવાના હોય, ત્યારે હંમેશા રાષ્ટ્રગીત (જન ગણ મન) પહેલા ગવાશે અથવા વગાડવામાં આવશે અને ત્યારપછી જ રાષ્ટ્રગાન (વંદે માતરમ) રજૂ કરી શકાશે. આ ઉપરાંત જે પ્રસંગોએ આ ગીતો ગાવા ફરજિયાત છે તેની પણ સંપૂર્ણ યાદી આ આદેશ સાથે મોકલવામાં આવી છે.

રાજ્યગીત અંગે પણ નિયમો સ્પષ્ટ કરાયા

ગૃહ મંત્રાલયે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો છે કે જે રાજ્યોમાં પોતાના સત્તાવાર 'રાજ્યગીત' (State Song) રજૂ કરવાની પરંપરા છે, ત્યાં પણ રાષ્ટ્રીય ગીતોનું ગૌરવ સર્વોપરી રહેશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ કાર્યક્રમમાં રાજ્યગીત, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ત્રણેય એકસાથે રજૂ કરવાના હોય, ત્યારે પણ સૌથી પહેલા રાષ્ટ્રગીત અને ત્યારપછી રાષ્ટ્રગાન જ પ્રસ્તુત કરવું પડશે. રાજ્યગીતને રાષ્ટ્રીય ગીતોના નિર્ધારિત ક્રમ અને નિયમો અનુસાર જ સ્થાન આપી શકાશે.

ખોટા ઉચ્ચારણો હવે નહીં ચલાવી લેવાય, સત્તાવાર ટેક્સ્ટ જાહેર

રાષ્ટ્રીય પ્રતીકોની ગરિમા જાળવવા માટે ગૃહ મંત્રાલયે ઉચ્ચારણ અને ભાષા શુદ્ધિ પર ખાસ ભાર મૂક્યો છે. આદેશમાં જણાવાયું છે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના સાચા શબ્દો, સાચી ભાષા, અધિકૃત લખાણ અને એકદમ સાચા ઉચ્ચારણનું પ્રદર્શન થાય તે સુનિશ્ચિત કરવું દરેક સંસ્થાની જવાબદારી રહેશે. સામાન્ય જનતા અને આયોજકોની સુવિધા માટે આ બંને ગીતોના સત્તાવાર લખાણ અને ઉચ્ચારણની ઓડિયો-વીડિયો ક્લિપ ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.

તમામ બંધારણીય સંસ્થાઓને મોકલાઈ પત્રની નકલ

કેન્દ્ર સરકારે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. ગૃહ મંત્રાલયના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, "તમામ સંબંધિત સંસ્થાઓ, શાળાઓ, કૉલેજો અને સંગઠનો તેમના અધિકારક્ષેત્ર હેઠળ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે તાકીદે સૂચનાઓ જારી કરવામાં આવે." આ પત્રની નકલો રાષ્ટ્રપતિ સચિવાલય, ઉપરાષ્ટ્રપતિ સચિવાલય, વડા પ્રધાન કાર્યાલય (PMO), કેબિનેટ સચિવાલય, ચૂંટણી પંચ, સંસદ સચિવાલય, સુપ્રીમ કોર્ટ અને તમામ હાઈકોર્ટ સહિત દેશની તમામ સર્વોચ્ચ બંધારણીય સંસ્થાઓને મોકલી આપીને તેની કડક અમલવારી કરવા તાકીદ કરવામાં આવી છે.

(7:58 PM IST)