તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે પર અભિનેત્રી શ્રીલીલાનો મોટો ખુલાસો: એમબીબીએસ પરીક્ષાની તૈયારી સાથે કેવી રીતે કર્યું વાયરલ 'વાયયારી' ગીતનું શૂટિંગ?
શૂટિંગ પૂરું કરીને પ્રેક્ટિકલ્સ માટે દોડતી અને બ્રેકમાં સેટ પર જ વાંચતી; ગ્લેમર વર્લ્ડની વચ્ચે ડૉક્ટર બનવાનું વચન પૂરું કરનારી કન્નડ બ્યુટીની સંઘર્ષગાથા

હૈદરાબાદ : દક્ષિણ ભારતીય સિનેમા (સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી) માં પોતાની અદાઓ અને શાનદાર ડાન્સથી લાખો દિલો પર રાજ કરનારી લોકપ્રિય અભિનેત્રી શ્રીલીલા માત્ર પડદા પર જ કમાલ નથી કરતી, પરંતુ તે રિયલ લાઈફમાં એક ક્વોલિફાઇડ ડૉક્ટર પણ છે. આ વર્ષની શરૂઆતમાં જ તેણે પોતાની MBBS ની કપરી ગણાતી પરીક્ષાઓ પાસ કરીને ડિગ્રી મેળવી છે. આજે 'રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ ૨૦૨૬' ના ખાસ અવસરે, અભિનેત્રીએ એક રસપ્રદ અને પ્રેરણાદાયી ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેણે તબીબી અભ્યાસના અત્યંત તણાવપૂર્ણ માહોલ વચ્ચે પોતાના સુપરહિટ ગીત 'વાયયારી' (Vayyyari) નું શૂટિંગ મેનેજ કર્યું હતું.
સેટ પર જ ચાલતી હતી પરીક્ષાની તૈયારી
પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં શ્રીલીલાએ જણાવ્યું કે, "ડૉક્ટર બનવું એ હંમેશાથી મારું સૌથી મોટું સપનું અને મારો જુસ્સો રહ્યો છે. 'વાયયારી' ગીતના શૂટિંગ દરમિયાન પણ મેં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે મારી MBBS ની પરીક્ષાઓને કોઈ નુકસાન ન પહોંચે. હું સેટ પર મારું શૂટિંગ પૂરું કરતી, અને તરત જ મારા મેડિકલ પ્રેક્ટિકલ્સ માટે દોડતી. શૂટિંગ દરમિયાન જ્યારે પણ મને થોડો બ્રેક મળતો, ત્યારે હું સેટ પર જ પુસ્તકો લઈને બેસી જતી. આ બધું બેલેન્સ કરવું બિલકુલ સરળ નહોતું, પરંતુ મેડિકલ સાયન્સનો અભ્યાસ મારા માટે આખી દુનિયા છે."
મેં મારું વચન પૂરું કર્યું: ડૉ. શ્રીલીલા
આ વર્ષની શરૂઆતમાં જ્યારે શ્રીલીલાએ કન્વોકેશન (દીક્ષાંત સમારોહ) માં ડૉક્ટરની ડિગ્રી મેળવી, ત્યારે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક લાગણીસભર નોટ લખીને પોતાને 'ડૉ. શ્રીલીલા' તરીકે ઓળખાવી હતી. તેણે લખ્યું હતું કે, "તમારી છોકરીએ પોતાનું વચન પાળ્યું છે. આ માત્ર એક ડિગ્રી નથી, પરંતુ આ સફર આંસુ, મુશ્કેલીઓ, વિશ્વાસ અને અડગતાની રહી છે. મારા પરિવારે અને શૂટિંગના સાથીઓએ મારી પરીક્ષાઓના ટાઈમિંગને સાચવવા માટે જે એડજસ્ટમેન્ટ કર્યા અને અંધાધૂંધી વચ્ચે મારો સાથ આપ્યો, તે બદલ હું હૃદયપૂર્વક આભારી છું."
કાર્તિક આર્યન સાથે બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યૂની તૈયારી
વર્ષ ૨૦૨૬ માં શ્રીલીલા ઓલરેડી 'પરાશક્તિ' અને 'ઉસ્તાદ ભગત સિંહ' જેવી મોટી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. હાલમાં તેની પાસે નિર્દેશક અનુરાગ બાસુની એક આગામી ફિલ્મ ઉપરાંત 'ઓમ ચેપ્ટર ૧' (Om Chapter 1) જેવી હાઈ-પ્રોફાઈલ ફિલ્મ છે. આ ફિલ્મમાં તે બોલિવૂડ સુપરસ્ટાર કાર્તિક આર્યન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે તેનું બોલિવૂડ ડેબ્યૂ હશે. આ સિવાય ચર્ચા છે કે તે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે 'દિલબેર' નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે, જેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
