<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

રાષ્ટ્રીય મહિલા આયોગને દર વર્ષે મળે છે અડેડ લાખથી વધુ ફરિયાદો, અધ્યક્ષ વિજયા રાહટકરે જણાવ્યું કે ઘરેલુ હિંસાના કેસો છે સૌથી વધુ

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકરે એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું કે મહિલાઓ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન અને ઓનલાઇન પોર્ટલ દ્વારા કોઈપણ ડર વગર પોતાની ફરિયાદો નોંધાવી શકે છે

નવી દિલ્હી : રાષ્ટ્રીય મહિલા આયોગને વાર્ષિક ધોરણે આશરે દોઢ લાખ ફરિયાદો પ્રાપ્ત થાય છે, જેમાં ઘરેલુ હિંસાના કેસો સૌથી વધુ સંખ્યામાં નોંધાય છે. આયોગના અધ્યક્ષ વિજયા રાહટકરે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મહિલાઓ માટે આયોગ સુધી પહોંચવા માટે ઓનલાઇન પોર્ટલ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ઇમેઇલ, રૂબરૂ અને 24 કલાક કાર્યરત હેલ્પલાઇન જેવા અનેક માધ્યમો ઉપલબ્ધ છે.

અધ્યક્ષ વિજયા રાહટકરે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ મહિલાને એવું ન લાગવું જોઈએ કે તેને ફરિયાદ કેવી રીતે નોંધાવવી તેની જાણકારી નથી. આ માટે હેલ્પલાઇન નંબર 14490 અને વેબસાઇટનો વ્યાપક ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મહિલાઓ કોઈપણ મુશ્કેલી વિના પોતાની વાત આયોગ સામે રાખી શકે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આયોગની પહોંચને વધુ વિસ્તૃત કરવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગ આપકે દ્વાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત વિવિધ રાજ્યોમાં ખુલ્લી સુનાવણી યોજવામાં આવે છે. વિજયા રાહટકરે જણાવ્યું કે જો મહિલાઓ આયોગ સુધી નથી આવી શકતી, તો આયોગ ખુદ મહિલાઓ પાસે જશે. છેલ્લા દોઢ વર્ષમાં દેશભરના ગામડાઓમાં બસોથી વધુ રૂબરૂ લોકસુનાવણીઓ યોજવામાં આવી છે અને મોટી સંખ્યામાં મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

વિજયા રાહટકરે વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગને મહિલાઓ માટે એક પિયર એટલે કે માયકા સમાન ગણવું જોઈએ. તેમણે દેશભરની મહિલાઓને અપીલ કરી છે કે આયોગ પ્રત્યે તેમના મનમાં કોઈ પણ પ્રકારનો ડર કે સંકોચ ન હોવો જોઈએ, કારણ કે મુશ્કેલીના સમયે દીકરી જેમ પોતાની માતા પાસે જાય છે, તેમ જ મહિલાઓ કોઈપણ સંકોચ વગર અહીં મદદ માંગી શકે છે.

(6:46 PM IST)