તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
નાશિક-ત્રંબકેશ્વર સિંહસ્થ કુંભમેળાના લોગોનું અનાવરણ

મુંબઈ,તા.૧૪: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૦૨૭માં યોજાનારા નાશિક-ત્રંબકેશ્વર સિહસ્થ કુંભમેળા માટેના સત્તાવાર લોગોનું ગઈ કાલે અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઈના સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિદે અને સુનેત્રા પવારે આ લોગો લોન્ચ કર્યો હતો.
આ લોગોની પસંદગી એક સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી જેનું આયોજન કુંભમેળા ઑથોરિટી, માય ગવર્નમેન્ટ (MyGov) અને અસોસિએશન ઑફ ડિઝાઇનર્સ ઑફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ૨૦૨૫ની ૨૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમ્યાન ચાલેલી આ સ્પર્ધામાં કુલ ૩૦૬૭ એન્ટ્રી મળી હતી. એમાં ૭૦ એન્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવી હતી. પ્રખ્યાત ગીતકાર અને ડિઝાઇન-નિષ્ણાત પ્રસૂન જોશી સહિતના નિષ્ણાતોની પેનલે વિજેતા ડિઝાઇનની પસંદગી કરી હતી જેમાં પુણેના વિદ્યાર્થી સુમિત કાટેની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. તેને ઇનામ તરીકે ૩ લાખ રૂપિયા અને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.
આ લોગોમાં નાશિક અને ત્રંબકેશ્વરના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે. એમાં ભગવાન શિવનું ત્રિશૂળ, પવિત્ર ત્રંબકેશ્વર મંદિર, નાશિકના કાળારામ મંદિરની કમાન અને પવિત્ર ગોદાવરી નદીનાં પ્રતીકોનો સમાવેશ થાય છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
