<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

નાશિક TCS યૌન ઉત્પીડન અને ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી નિદા ખાનને આશ્રય આપવા બદલ પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલ સામે FIR

પોલીસ અને SIT ની તપાસથી બચાવવા ગંભીર આરોપસર AIMIM નેતા સામે કાયદાકીય શિકંજો કસાયો, ૩૫૦૦ પાનાંની ચાર્જશીટમાં ખુલાસો થતાં રાજકારણ ગરમાયું

નાશિક, તા.૦૬: મહારાષ્ટ્રના નાશિકમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) યૌન શોષણ અને કથિત ધર્માંતરણ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના નેતા અને પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT) ના વડાના જણાવ્યા અનુસાર, ઇમ્તિયાઝ જલીલ પર આ બહુચર્ચિત કેસની મુખ્ય આરોપી નિદા ખાનને ધરપકડથી બચાવવા માટે ગેરકાયદેસર આશ્રય આપવાનો અને પોલીસ તપાસમાં અવરોધ ઊભો કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન એઆઈએમઆઈએમના પૂર્વ કોર્પોરેટર મતીન પટેલની કડક પૂછપરછમાં અને જૂન ૨૦૨૬માં કોર્ટમાં રજૂ કરવામાં આવેલી આશરે ૩,૫૦૦ પાનાંની ચાર્જશીટમાં જલીલની આ ગુનાહિત ભૂમિકા સ્પષ્ટપણે સામે આવી હતી, જેના આધારે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમગ્ર ચર્ચાસ્પદ પ્રકરણની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે નાશિક સ્થિત TCS ના એકમમાં કામ કરતી મહિલા કર્મચારીઓએ સહકર્મચારીઓ સામે યૌન ઉત્પીડન, માનસિક ત્રાસ અને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે અસહ્ય દબાણ કરવાની દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદો નોંધાવી હતી.

પીડિતાઓના નિવેદન અનુસાર, તેઓને ધર્મ પરિવર્તન માટે માનસિક રીતે તૈયાર કરવા ઉપરાંત નવી ઓળખ આપવાની અને આ સમગ્ર બાબત પરિવારથી ગુપ્ત રાખવાની યોજના બનાવવામાં આવી હતી, જે મામલે અત્યાર સુધીમાં બે અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
 

પૂર્વ સાંસદ સામે ગુનો નોંધાયા બાદ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે, અને હવે આગામી દિવસોમાં SIT દ્વારા ઇમ્તિયાઝ જલીલની ધરપકડ અથવા પૂછપરછ અંગે કઈ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

(5:19 PM IST)