<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

સંસદના ગણિતમાં ફસાઈ ‘નારીશક્‍તિ': ૧૨ વર્ષમાં પહેલી વાર કોઈ બિલ પાસ ન થઈ શક્‍યું

ગૃહમાં વોટિંગ દરમિયાન બિલના પક્ષમાં ૨૯૮ વોટ પડ્‍યા, જ્‍યારે વિરોધમાં ૨૩૦ સભ્‍યોએ બટન દબાવ્‍યાઃ પાંચ કારણોથી લોકસભામાં પાસ ન થયું મહિલા અનામત બિલ : પરિણામથી એક સવાલ ઉઠે છે કે શું મહિલા અનામત જેવા સંવેદનશીલ મુદ્દે પણ રાજનીતિક શક્‍તિ પ્રદર્શનનું માધ્‍યમ બનાવી દીધું છે?

નવી દિલ્‍હી,તા.૧૮: ગઈકાલની સાંજ ભારતના સંસદીય ઇતિહાસમાં એક મોટા ઉલટફેરની સાક્ષી બની. મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ૧૩૧મા સંવિધાન સંશોધન બિલ ૨૦૨૬ લોકસભામાં પાસ થઈ શક્‍યું નહીં. છેલ્‍લા ૧૨ વર્ષમાં આ પહેલો મોકો છે, જ્‍યારે મોદી સરકારનું કોઈ સંવિધાન સંશોધન બિલ સદનમાં નામંજૂર થયું હોય. બે દિવસ સુધી ચાલેલી લાંબી ચર્ચા અને પ્રધાનમંત્રી મોદીની અપીલો છતાં સરકાર જરૂરી આંકડાનો જુગાડ કરી શકી નહીં. સદનમાં વોટિગ દરમિયાન બિલના પક્ષમાં ૨૯૮ વોટ પડ્‍યા, જ્‍યારે વિરોધમાં ૨૩૦ સભ્‍યોએ બટન દબાવ્‍યા. આ પરિણામથી એક સવાલ ઉઠે છે કે શું મહિલા અનામત જેવા સંવેદનશીલ મુદ્દે પણ રાજનીતિક શક્‍તિ પ્રદર્શનનું માધ્‍યમ બનાવી દીધું છે?

લોકસભામાં કેમ પાસ ન થયું મહિલા અનામત બિલ- પાંચ કારણો

૨/૩ બહુમતના આંકડાને પાર ન કરી શક્‍યા સંવિધાન સંશોધન માટે સદનમાં હાજર અને વોટ કરનારા સાંસદોના બે-તૃત્‍યાંશ બહુમત (૨/૩) અનિવાર્ય છે. શુક્રવારે વોટિગના સમયે ૫૨૮ સાંસદો હાજર હતા, જેના હિસાબથી બિલ પાસ કરાવવા માટે કમસે કમ ૩૫૨ વોટની જરૂર હતી, સરકારના પક્ષમાં ખાલી ૨૯૮ વોટ જ પડ્‍યા. જેનાથી બિલ ટેકનિકલી રીતે ફેલ થઈ ગયું.

પરિસીમન અને જનગણનાની શરત પર વિવાદઃ વિપક્ષનો સૌથી મોટો વિરોધ બિલને જનગણના અને પરિસીમન સાથે જોડવા પર હતો. કોંગ્રેસ અને અન્‍ય પાર્ટીનો આરોપ છે કે સરકાર અનામતને તરત લાગુ કરવાની જગ્‍યાએ તેને ભવિષ્‍યની અનિヘતિતામાં નાખી રહી છે. વિપક્ષની માગ હતી કે ૨૦૨૬ની પરિસીમન પ્રક્રિયાની રાહ જોયા વિના હાલની સીટો પર જ અનામત લાગુ કરવામાં આવે.

દક્ષિણ ભારતીય રાજ્‍યોનું પ્રતિનિધિત્‍વ ઓછું હોવાનો ડરઃ દક્ષિણના રાજ્‍યોને ડર છે કે નવા પરિસીમન અને સીટોની સંખ્‍યા ૮૫૦ સુધી વધારવાથી તેમની રાજનીતિક શક્‍તિ ઓછી થઈ જશે. જનસંખ્‍યા નિયંત્રણમાં સારું પ્રદર્શન કરનારા આ રાજ્‍યોને લાગે છે કે ઉત્તર ભારતની સીટો વધવાથી કેન્‍દ્રમાં તેમનો દબદબો ઘટશે. આ ક્ષેત્રીય અસંતુલનના ડરે વિપક્ષી પાર્ટીઓને બિલ વિરુદ્ધ એકજૂટ કરી દીધા.

વિપક્ષનું મજબૂત અને એકજૂટ ફલોર કોઓર્ડિનેશનઃ છેલ્‍લા ૧૨ વર્ષોમાં આ પહેલી વાર જોવા મળ્‍યું કે વિપક્ષે આટલી સટીક રણનીતિ સાથે સરકારનો ઘેરાવ કર્યો. મલ્‍લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ અને મમતા બેનર્જી જેવા દિગ્‍ગજ નેતાઓ વચ્‍ચે શાનદાર તાલમેલે સરકારના રણનીતિકારોને ચોંકાવી દીધા. વિપક્ષે એક સૂરમાં પરિસીમનને ચૂંટણી નકશો બદલવાનું કાવતરું ગણાવી વોટિગમાં સરકારને પછાડી દીધી.

સરકારની નંબર ગેમ પર અતિ-આત્‍મવિશ્વાસવાળી રણનીતિ- સરકારને આશા હતી કે તે અમુક નાની પાર્ટીઓ અને સ્‍વતંત્ર સાંસદોને પોતાના પક્ષમાં કરી લેશે, પણ અંતિમ સમયમાં સમાજવાદી પાર્ટી અને ટીએમસી જેવા દળના કડક વલણે ગણિત બગાડી નાખ્‍યું. ભાજપના રણનીતિકાર જરૂરી ૩૬૦ વોટનો જુગાડ કરવામાં નિષ્‍ફળ રહ્યા અને ગૃહમંત્રી અમિત શાહની અપીલોની વિપક્ષની એકતા પર કોઈ ખાસ અસર થઈ નહીં.

વિપક્ષે કેમ આ બિલનો જોરદાર વિરોધ કર્યો?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષના અન્‍ય નેતાઓએ આ બિલના ઇરાદા પર ગંભીર સવાલો ઉઠાવ્‍યા. વિપક્ષનું કહેવું છે કે સરકાર મહિલા અનામતની આડમાં દેશનો ચૂંટણી નકશો બદલવા માગે છે. બિલમાં અનામતને પરિસીમન અને જનગણના સાથે જોડવામાં આવ્‍યું હતું.

વિપક્ષનો આરોપ છે કે પરિસીમન દ્વારા ઉત્તર ભારતની સીટો વધી જશે અને દક્ષિણ ભારતીય રાજ્‍યોનું પ્રતિનિધિત્‍વ ઓછું થઈ જશે. રાહુલ ગાંધીએ તેને મહિલાઓની પાછળ છુપાઈને ચૂંટણી નકશો બદલવાની કોશિશ ગણાવી.

વિપક્ષની માગ હતી કે અનામતને તરત લાગુ કરવામાં આવે અને તેને પરિસીમનથી અલગ કરવામાં આવે. વિપક્ષે એકજૂટ થઈને સરકારના આ પગલાને રોકવાનો નિર્ણય લીધો હતો, જેના પરિણામ સંસદમાં જોવા મળ્‍યું.

(10:01 AM IST)