તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
નરેન્દ્રભાઇ ૪ જુલાઈએ ફરી ગુજરાતની મુલાકાતેઃસાણંદ ખાતે સ્થપાયેલા અત્યાધુનિક સેમી કંડકટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે

અમદાવાદ,તા.૩૦: ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૪ જુલાઈના રોજ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપશે, જેમાં સૌથી મહત્વનું આકર્ષણ સાણંદ ખાતે સ્થપાયેલા અત્યાધુનિક સેમી કંડકટર પ્લાન્ટનું લોકાર્પણ છે.
વડાપ્રધાન મોદીના હસ્તે સાણંદ ખાતે સીજી (CG) કંપની દ્વારા સ્થાપિત સેમી કંડકટર પ્લાન્ટનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવશે. આ પ્લાન્ટનું ઉદઘાટન ભારતને ‘સેમી કંડકટર હબ' બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું માનવામાં આવી રહ્યું છે. ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે આ પ્રોજેક્ટ દેશની આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવશે.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સીજી કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા સેમી કંડકટર્સનું વડાપ્રધાનના હસ્તે લોન્ચિંગ છે. આ સેમી કંડકટર્સ આગામી સમયમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ક્રાંતિકારી બદલાવ લાવશે તેવી અપેક્ષા છે.
સાણંદમાં આ પ્લાન્ટના નિર્માણથી ગુજરાતમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે અને ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ વિકસિત થશે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત વૈશ્વિક સેમી કંડકટર સપ્લાય ચેઈનમાં મહત્વનું સ્થાન મેળવવાની તૈયારી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
