News of Monday, 14th September 2026
નકવીનું ફરી નાક કપાયું, ટીમ ઇન્ડિયાએ ટ્રોફી લેવાની ના પાડી દીધી
શ્રીલંકાને ૭૨૨ને હરાવી ભારતે આઠમી વખત એશિયા કપ જીત્યું: શેફાલી - મંધાનાની ધમાકેદાર બેટીંગ બાદ બોલરોએ પણ મચાવ્યો કહેર : ટ્રોફી પ્રેઝન્ટેશનમાં નકવી હાજર થતાં ભારતીય ટીમે મંચથી અંતર જાળવ્યું: ૨૦૨૫ના પુરુષ ટીમના બનાવ બાદ ફરી એકવાર ટ્રોફી વિવાદે વેગ પકડ્યો

નવી દિલ્હીઃ દુબઈમાં રમાયેલી મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને ૭૨ રને હરાવી રેકોર્ડ આઠમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો. જોકે, ભારતની આ ઐતિહાસિક જીત બાદ ટ્રોફી પ્રેઝન્ટેશનને લઈને મોટો વિવાદ સર્જાયો હતો.
ભારતે પ્રથમ બેટિગ કરતા ૨૦ ઓવરમાં ૧૮૩/૫નો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર શરૂઆત અપાવી અને બંને વચ્ચે ૧૨૯ રનની ભાગીદારી થઈ. શેફાલીએ માત્ર ૨૪ બોલમાં અડધી સદી પૂરી કરી અને ૬૮ રનની આક્રમક ઇનિંગ રમી, જ્યારે મંધાનાએ ૫૯ રન બનાવી ભારતના સ્કોરને મજબૂત બનાવ્યો.
જવાબમાં શ્રીલંકાની ટીમ ભારતીય બોલિગ સામે ટકી શકી નહોતી અને ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી દીપ્તિ શર્મા સહિતના બોલરોએ અસરકારક બોલિંગ કરી, જેના કારણે ભારતીય ટીમે ૭૨ રનની મોટી જીત મેળવીને એશિયા કપ પર ફરી કબજો જમાવ્યો.
પરંતુ મેચ બાદનું ટ્રોફી પ્રેઝન્ટેશન ક્રિકેટ કરતાં વધુ ચર્ચામાં રહ્યું. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવી ટ્રોફી આપવા માટે મંચ પર હાજર હતા. ભારતીય ટીમે તેમના હાથેથી ટ્રોફી સ્વીકારવાનું ટાળ્યું અને પ્રેઝન્ટેશન સેરેમનીથી દૂર રહી. અહેવાલો અનુસાર, ભારતીય ટીમની આ ભૂમિકા અગાઉથી નક્કી કરવામાં આવેલી હતી.
આ ઘટનાએ ૨૦૨૫ના એશિયા કપની યાદ તાજી કરી દીધી છે. ત્યારે પણ પાકિસ્તાન સામે ફાઇનલ જીત્યા બાદ ભારતીય પુરુષ ટીમે નકવીના હાથેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હવે મહિલા ટીમે પણ એ જ વલણ અપનાવતા નકવી સામે ભારતીય ટીમના વિરોધની ચર્ચા ફરી ગરમાઈ છે.
જોકે, ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર શા માટે કર્યો તે અંગે ટીમ અથવા BCCI તરફથી આ ઘટનાના સંદર્ભમાં સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. તેથી અત્યારે આ ઘટનાને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે.
મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું, પરંતુ મેદાન બહાર ટ્રોફી પ્રેઝન્ટેશનની આ ઘટના એશિયા કપની સૌથી મોટી ચર્ચામાં ફેરવાઈ ગઈ છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
