તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
સહારા રિફંડ પોર્ટલ પરથી ૧૮ લાખથી વધુ રોકાણકારોના નામ 'ગાયબ': RTI ખુલાસાથી મચેલો ખળભળાટ; કરોડો રૂપિયાની રકમ અટવાઈ
બાગપતના RTI એક્ટિવિસ્ટને સેન્ટ્રલ રજિસ્ટ્રાર કચેરી તરફથી મળેલા બે અલગ-અલગ જવાબોમાં ડેટાની મોટી ગોલમાલ સામે આવી; ૧૮.૬૭ લાખ થાપણદારોનો હિસાબ જ ગાયબ

નવી દિલ્હી, તા.૩૦: સહારા ઇન્ડિયામાં પોતાના જીવનભરની કમાણી રોકનારા લાખો રોકાણકારો માટે રિફંડની રાહ વધુ લાંબી અને વિવાદસ્પદ બની રહી છે. સહારા રિફંડ પોર્ટલ પર નોંધાયેલા ૧૮ લાખથી વધુ થાપણદારો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હોવાનો એક ચોંકાવનારો ખુલાસો RTI (માહિતી અધિકાર) અરજીના જવાબમાં થયો છે. આ ખુલાસા બાદ સરકારી પોર્ટલના ડેટા સંચાલન અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
RTI જવાબોમાં મોટો વિરોધાભાસ
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બારૌત ગામના RTI એક્ટિવિસ્ટ નૌશાદ અલીએ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફિસ પાસે સહકાર મંત્રાલય દ્વારા ચાલી રહેલી રિફંડ પ્રક્રિયા અંગે માહિતી માંગી હતી. તેમને મળેલા બે અલગ-અલગ જવાબોમાં આંકડાકીય મોટો ગોટાળો સામે આવ્યો છે:
• પહેલો જવાબ (નવેમ્બર ૨૦૨૫): નોંધાયેલા થાપણદારોની સંખ્યા ૧,૬૭,૯૬,૪૬૯ (૧.૬૭ કરોડ) દર્શાવવામાં આવી હતી, જેમાંથી ૩૪.૩૫ લાખ લોકોને રૂ. ૬,૬૨૧.૮૫ કરોડ ચૂકવાયા હતા.
• બીજો જવાબ (સપ્ટેમ્બર ૨૦૨૬): કચેરી દ્વારા અપાયેલા નવા ડેટા મુજબ નોંધાયેલા થાપણદારોની સંખ્યા ઘટીને ૧,૪૯,૪૮,૮૭૯ (૧.૪૯ કરોડ) થઈ ગઈ.
આ બંને આંકડાઓની સરખામણી કરતાં માલૂમ પડે છે કે અંદાજે ૧૮,૬૭,૫૯૦ (૧૮.૬૭ લાખ) થાપણદારોના નામ જ સિસ્ટમમાંથી ગાયબ થઈ ગયા છે. શું આ લોકોના રજિસ્ટ્રેશન રદ કરાયા કે ડેટામાં મોટી ગડબડ છે, તે અંગે સરકારી કચેરી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રિફંડની વર્તમાન સ્થિતિ અને ખામીયુક્ત અરજીઓ
તાજેતરના સરકારી આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ૪૧.૫૬ લાખ થાપણદારોને રૂ. ૯,૨૬૭ કરોડ નું વિતરણ કરવામાં આવ્યું છે. જોકે, બીજી તરફ ૩.૯૫ કરોડથી વધુ અરજીઓમાં વિવિધ ખામીઓ દર્શાવીને તેમને અટકાવી દેવામાં આવી છે. આશરે ૨૦ લાખથી વધુ અરજીઓ હજુ પણ પ્રક્રિયા હેઠળ છે.
જો અરજીમાં ખામી હોય તો શું કરવું?
મંત્રાલયના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની દેખરેખ હેઠળ આ આખી રિફંડ પ્રક્રિયા ચાલી રહી છે. જે રોકાણકારોની અરજીઓમાં ક્ષતિઓ કે ખામીઓ દર્શાવવામાં આવી છે, તેમના માટે CRCS-સહારા રિફંડ પોર્ટલ પર 'રી-સબમિશન' (ફરીથી દસ્તાવેજ સબમિટ કરવાની) સુવિધા શરૂ કરવામાં આવી છે. થાપણદારો પોર્ટલ પર લોગઈન કરીને પોતાની ખામીઓ સુધારી દાવો ફરીથી દાખલ કરી શકે છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
