News of Friday, 2nd October 2026
મતદાર યાદીમાંથી ગાયબ થયેલું નામ હવે પાછું આવશે: ૨૦ રાજ્યોમાં ECI નો મોટો આદેશ, BLO હવે પોતે તમારા ઘરના દરવાજે ખટખટાવશે!
SIR પ્રક્રિયા બાદ થયેલા નામો અને ૧૮ વર્ષના નવા મતદારો માટે ૧ મહિનાની મેગા ડ્રાઈવ, ફોર્મ-૬ ભરાવી સ્થળ પર જ નામ ઉમેરાશે

નવી દિલ્હી, તા.02: દેશના લોકશાહી માળખાને વધુ મજબૂત કરવા અને એક પણ પાત્ર નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ભારતીય ચૂંટણી પંચે (ECI) ઐતિહાસિક અને અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. દેશના ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) ને કડક સૂચના આપવામાં આવી છે કે, મતદાર યાદીની 'સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જો કોઈ નાગરિકનું નામ ભુલથી કે ટેકનિકલ કારણોસર નીકળી ગયું હોય, તો તેને તાત્કાલિક ધોરણે પુનઃ ઉમેરવા માટે મોટા પાયે 'વિશેષ ઝુંબેશ' (Special Drive) શરૂ કરવામાં આવે.
આ નિર્ણય બાદ પશ્ચિમ બંગાળ સહિત દેશભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) અને ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ (ERO) એ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કડક શબ્દોમાં કહ્યું છે કે "મતદાર બનવું એ સતત ચાલતી પ્રક્રિયા છે" અને કોઈની ભૂલના કારણે નાગરિકનો વોટ આપવાનો અધિકાર છીનવાઈ શકે નહીં.
BLO ને H2H (ડોર-ટુ-ડોર) ચકાસણીના કડક આદેશો
ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ હવે અધિકારીઓએ સામે ચાલીને નાગરિકો સુધી પહોંચવું પડશે:
• ક્રોસ-વેરિફિકેશન: BLO એ SIR પૂર્વેની જૂની યાદી અને વર્તમાન નવી યાદીની સરખામણી કરી કટાઈ ગયેલા નામોની અલગ સૂચિ બનાવવાની રહેશે.
• ઘર-ઘર સરવે: જો નાગરિક પોતાના જૂના સરનામે જ વસવાટ કરતો હોય, તો BLO એ સ્થળ પર જ તેની પાસે 'ફોર્મ-૬' ભરાવવાનું રહેશે.
• સાપ્તાહિક લક્ષ્યાંક: દરેક BLO એ સપ્તાહમાં ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ ઘરોની રૂબરૂ મુલાકાત લેવી ફરજિયાત છે, જેથી આ મેગા ડ્રાઈવ ૧ મહિનામાં પૂર્ણ થઈ શકે.
નવા યુવા મતદારો અને વંચિતો માટે વિશેષ કેમ્પ
આ ઝુંબેશ અંતર્ગત માત્ર નામ ઉમેરવાનું જ નહીં, પરંતુ ૧૮ વર્ષ કે તેથી વધુ વયના પ્રથમ વારના યુવા મતદારોની શોધ કરીને તેમના નામ પણ નોંધવામાં આવશે. આ ઉપરાંત, બેઘર લોકો, મજૂર વસાહતો અને નાઈટ શેલ્ટરમાં રહેતા વંચિત વર્ગ માટે પણ ખાસ નોંધણી કેમ્પ યોજાશે.
પારદર્શિતા જાળવવા માટે BLO દ્વારા તૈયાર કરાયેલી આ નવી યાદી તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્સ (BLA) સાથે શેર કરવામાં આવશે. શાળાઓ, કોલેજો અને પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આ ઝુંબેશ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે અને તેની રોજિંદી પ્રગતિનું નિરીક્ષણ ખુદ CEO અને DEO સ્તરેથી કરવામાં આવશે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
