News of Wednesday, 7th October 2026
યુરોપિયન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પની નગ્ન સુવર્ણ પ્રતિમાનું અનાવરણ: આબોહવા નીતિઓ અને પેરિસ કરારમાંથી હટી જવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ
ડેનિશ કલાકાર દ્વારા પ્રદર્શિત કરાયેલ 'ધ ઓરેન્જ પ્લેગ' નામની આ વ્યંગાત્મક કલાકૃતિ વૈશ્વિક રાજકારણ અને પર્યાવરણીય મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચાનું કેન્દ્ર બની

સ્ટ્રાસબર્ગ : ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ ખાતે આવેલી યુરોપિયન સંસદની ઇમારતમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ૨.૩-કેરેટ સોનાનો ઢોળ ચડાવેલી એક નગ્ન પ્રતિમા પ્રદર્શિત કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. યુરોપિયન સંસદના પરિસરમાં મૂકાયેલી આ અનોખી અને વિવાદાસ્પદ કલાકૃતિએ વિશ્વભરના નેતાઓ અને કલા રસિકોનું ધ્યાન ખેંચ્યું છે. જાણીતા ડેનિશ કલાકાર જેન્સ ગાલ્સચિયોટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમાનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પની આબોહવા પરિવર્તન નીતિઓ, પેરિસ કરારમાંથી ખસી જવાનો નિર્ણય અને વૈશ્વિક ઉર્જા મુત્સદ્દીગીરીની આકરી ટીકા કરવાનો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 'ધ ઓરેન્જ પ્લેગ' અથવા 'કિંગ ઓફ અનજસ્ટિસ' શીર્ષક ધરાવતી આ ૨.૩-કેરેટ સોનાની સોનેરી પ્રતિમામાં ડોનાલ્ડ ટ્રમ્પને સંપૂર્ણપણે નગ્ન અવસ્થામાં દર્શાવવામાં આવ્યા છે. આ શિલ્પમાં ટ્રમ્પના હાથમાં ગોલ્ફ ક્લબ પકડેલી છે અને તેઓ એક સામાન્ય નાગરિકની પીઠ પર ભારે વજન સાથે બેઠેલા નજરે પડે છે. આર્ટવર્ક સાથે મૂકવામાં આવેલી આરસપહાણની તકતી પર લખવામાં આવ્યું છે કે, "હું એક માણસની પીઠ પર બેઠો છું, તે મારા બોજ નીચે ડૂબી રહ્યો છે..." જે વૈશ્વિક સત્તાના અસંતુલન અને આબોહવા અંગેની નિષ્ક્રિયતા પર સીધો કટાક્ષ કરે છે.
કલાકારે આ પ્રદર્શન પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે ટ્રમ્પની નીતિઓ વૈશ્વિક પર્યાવરણીય પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર વિનાશક પ્રભાવ પાડી રહી છે. ખાસ કરીને તેમના બીજા કાર્યકાળમાં યુએસને પેરિસ કરારમાંથી બહાર કરવાનો આદેશ આપવો, ઘરેલુ અશ્મિભૂત ઇંધણ ઉત્પાદનને વેગ આપવો અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નિયમોને હળવા કરવા જેવા પગલાં વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યા છે. આ સિવાય, યુરોપિયન સાથીઓ પર ઊંચા ટેરિફ લાદીને અમેરિકન લિક્વિફાઇડ નેચરલ ગેસ ખરીદવા માટે દબાણ કરવાનીતિઓ પણ આ વિરોધનું એક મુખ્ય કારણ બની છે.
આ ઘટનાની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, યુરોપિયન સંસદ અગાઉ પણ આવા રાજકીય રીતે ઉશ્કેરણીજનક અને કટાક્ષયુક્ત કલા પ્રદર્શનો માટે જાણીતી રહી છે. હાલના સમયમાં જ્યારે યુરોપિયન ધારાસભ્યો અને રાજકીય વિશ્લેષકો જટિલ રાજદ્વારી અને પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ પ્રદર્શને વૈશ્વિક સ્તરે પર્યાવરણ અને રાજનીતિ વચ્ચેના સંબંધો પર પુનર્વિચાર કરવા માટે મજબૂર કર્યા છે.
આગામી સમયમાં આ પ્રકારના કલાત્મક વિરોધો આંતરરાષ્ટ્રીય મંચો પર પર્યાવરણીય જાગૃતિ અને નીતિગત ચર્ચાઓને કેટલો વેગ આપે છે તે જોવું રહ્યું, પરંતુ હાલ તો આ સુવર્ણ પ્રતિમા વૈશ્વિક મીડિયામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
