તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
નાગપુર-મુંબઈ દુરંતો એક્સપ્રેસ પર અજાણ્યા તત્વોનો ભારે પથ્થરમારો: AC કોચની બારીઓના કાચ તૂટતા મુસાફરોમાં ફાળ પડી; RPF દ્વારા તપાસ તેજ
બોરખેડી નજીક બનેલી ઘટનામાં ત્રણ કોચને નુકસાન, સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ; રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ

નાગપુર : મહારાષ્ટ્રમાં મધ્ય રેલવેના નાગપુર-મુંબઈ રૂટ પર દોડતી પ્રીમિયમ ટ્રેન નાગપુર-મુંબઈ દુરંતો એક્સપ્રેસ (ટ્રેન નંબર 12290) પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. બોરખેડી સ્ટેશન પસાર કર્યા બાદ ટ્રેન જ્યારે પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે અચાનક બહારથી પથ્થરમારો થતાં કોચ A-1, B-2 અને B-5 ની બારીઓના કાચમાં તિરાડો પડી ગઈ હતી અને કડાકા સાથે કાચ ફૂટતા મુસાફરોમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી.
બનાવ અંગે માહિતી મળતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) નો કાફલો રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અધિકારીઓએ બોરખેડી અને સિંધિ સેક્શન વચ્ચેના રેલવે ટ્રેક તેમજ નજીકના બ્રાહ્મણી અને બોરખેડી ગામોના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સ્થાનિક ગ્રામજનો અને પોલીસ પાટીલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એસ્કોર્ટ સ્ટાફ અને કોચના મુસાફરોએ પુષ્ટિ કરી હતી કે રાત્રે આશરે 8:27 કલાકે બહારથી શંકાસ્પદ વસ્તુઓ બારી સાથે અથડાઈ હતી.
રેલવે સત્તાવાળાઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ રેલવે એક્ટની કલમ 153 હેઠળ ગુનો નોંધ્યો છે. પથ્થરમારો કરનારા તત્વોને ઝડપી પાડવા માટે રેલવે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ટ્રેનો પર પથ્થરમારાની આવી ઘટનાઓ અટકી રહી નથી. આશરે એક મહિના પહેલા જ ગુજરાતમાં સુરત નજીક મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પણ પથ્થરમારો થયો હતો, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સવાર હતા. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
