<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ગગનચુંબી ઇમારતો પાછળ છુપાયેલો રહસ્યમય વારસો: આધુનિક દુબઈમાં આજે પણ જીવંત છે સેંકડો વર્ષ જૂની લોકવાયકાઓ

જીનથી બચવા ઘરના પાયામાં મીઠું છાંટવાથી લઈને 'ઉમ્મ અલ દુવૈસ' અને 'બાબા દરિયા'ની હોરર વાર્તાઓ: અમીરાતી સંસ્કૃતિમાં વિજ્ઞાન અને અંધશ્રદ્ધાનો અનોખો સંગમ

દુબઈ:  બુર્જ ખલીફા, લક્ઝરી કારો અને સુપર-એડવાન્સ ટેકનોલોજી માટે વિશ્વભરમાં પ્રખ્યાત દુબઈ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો એક એવો પણ ચહેરો છે જે સદીઓ જૂની રહસ્યમય પરંપરાઓ અને લોકવાયકાઓ સાથે જોડાયેલો છે. આધુનિકતાના શિખરે પહોંચેલા આ દેશમાં આજે પણ જીન, બુરી નજર અને દરિયાઈ રાક્ષસો સંબંધિત જૂની વાર્તાઓ મૌખિક વારસા તરીકે સચવાયેલી છે.
ડિજિટલ મીડિયા તથા 'ધ નેશનલ' જેવા સ્થાનિક માધ્યમોના અહેવાલો મુજબ, પ્રાચીન અમીરાતી સંસ્કૃતિમાં જીન સંબંધિત માન્યતાઓ માત્ર ડર ફેલાવવા માટે નહીં, પરંતુ બાળકોને સન્માર્ગે ચલાવવા અને નૈતિક શિક્ષા આપવા માટે વપરાતી હતી. અમીરાતી લોકસાહિત્યના સંશોધકોના જણાવ્યા મુજબ, "જીન તમને પકડી લેશે" જેવી ચેતવણીઓ બાળકોને ગેરવર્તણૂક કે લોભ-ઈર્ષ્યાથી દૂર રાખવા માટે આપવામાં આવતી હતી.

ઐતિહાસિક વિગતો અનુસાર, જૂના જમાનામાં નવું ઘર બનાવતી વખતે તેના પાયામાં મીઠું છાંટવામાં આવતું અને ધૂપ પ્રગટાવવામાં આવતો હતો, જેથી જીન અને ખરાબ આત્માઓ દૂર રહે. આ ઉપરાંત અમીરાતી સંસ્કૃતિમાં બે સૌથી લોકપ્રિય પાત્રો 'ઉમ્મ અલ દુવૈસ' (એક આકર્ષક પણ ભયાનક સ્ત્રી જીન જે બેવફા પુરુષોને શિક્ષા આપતી) અને 'બાબા દરિયા' (સમુદ્રનો પિતા - જે મોતીની શોધમાં નીકળતા માછીમારો અને ખલાસીઓ માટે ખતરનાક માનવામાં આવતો) ખૂબ પ્રખ્યાત છે.

રાસ અલ ખૈમાહમાં આવેલો જાણીતો 'અલ કાસિમી પેલેસ' પણ લાંબા સમયથી જીન અને ભૂતિયા વાર્તાઓ માટે ચર્ચામાં રહ્યો છે. સ્થાનિક લોકોમાં આ મહેલને લઈને વિરોધાભાસી વિચારો જોવા મળે છે; કેટલાક લોકો ત્યાં અજીબોગરીબ ઘટનાઓનો દાવો કરે છે તો કેટલાક તેને કેવળ અફવા ગણાવે છે. શારજાહ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેરિટેજના તાજેતરના પ્રકાશન મુજબ, બદલાતી જીવનશૈલી સાથે કેટલીક માન્યતાઓ લુપ્ત થઈ છે, પરંતુ આ વાર્તાઓ અમીરાતી સાંસ્કૃતિક સ્મૃતિનો મહત્વપૂર્ણ ભાગ બની રહી છે.

(7:17 PM IST)