<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

જાણીતી 23 વર્ષીય લોકપ્રિય સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર સયાની ચક્રવર્તીનું ભેદી સંજોગોમાં નિધન થયું

પોલીસને તેના રૂમમાંથી પંખે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર: સયાનીના મોતના સાચા કારણોનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે

પશ્ચિમ બંગાળમાં આવેલા હુગલી જિલ્લામાંથી એક ચકચારી સમાચાર આવ્યા છે. જાણીતી 23 વર્ષીય લોકપ્રિય સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર સયાની ચક્રવર્તીનું ભેદી સંજોગોમાં અવસાન થયું છે. પોલીસને તેના રૂમમાંથી પંખે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. સયાનીના અચાનક અવસાનથી તેનો પરિવાર ઘેરા શોકમાં છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તેના ચાહકો ભીની આંખે શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, મોગરાના ગજઘંટા ડેપાડાની રહેવાસી સયાનીએ આત્મહત્યા કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. તેથી સયાનીના મોતના સાચા કારણોનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે. હાલ પોલીસ આ મામલે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ ઘટનાના બરાબર એક દિવસ પહેલા જ સયાનીએ સોશિયલ મીડિયા પર પોતાના હસતા ચહેરા સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા. તેણે તાજેતરમાં જ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને આ મોટી સિદ્ધિની ખુશી પોતાના ઓનલાઈન ફોલોઅર્સ સાથે શેર કરી હતી. 23 વર્ષની આશાસ્પદ યુવતીના આવા પગલાંથી તેના લાખો ફોલોઅર્સ ભારે આઘાતમાં છે.

મૃતક સયાનીના પરિવારે પોલીસને જણાવ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે ઘણી પરેશાન (ડિપ્રેશનમાં) હતી. સોશિયલ મીડિયા પર હંમેશા હસતી દેખાતી સયાની અંદરથી કોઈ મોટી માનસિક મૂંઝવણનો સામનો કરી રહી હતી. આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર આજના યુવાનો અને સોશિયલ મીડિયા ક્રિએટર્સમાં વધી રહેલી માનસિક આરોગ્યને લગતી સમસ્યાઓ અને ડિપ્રેશન જેવા ગંભીર વિષય પર ચિંતા વધારી છે.

(7:12 PM IST)