News of Sunday, 4th October 2026
પ્રેમાનંદ મહારાજના શિષ્યના રહસ્યમય મોતથી વૃંદાવનમાં ધમાસાણ: ગુપ્ત ભાગો પર ગંભીર ઈજાના નિશાન મળતાં હત્યાની શંકા ઘેરી
પોલીસની ઢિલી નીતિ સામે ભક્તોનો ભારે આક્રોશ; ભારે વિવાદ વચ્ચે રાધા કેલી કુંજ ટ્રસ્ટે નિવેદન જાહેર કરી અફવાઓથી દૂર રહેવા કરી અપીલ

નવી દિલ્હી : વૃંદાવન સ્થિત પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના 'શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ' સાથે જોડાયેલા ૨૫ વર્ષીય સાધક દીપક લોધી (ઉર્ફે રિકેશ દુલારી શરણ)ના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આશ્રમની ચાર માળની ઈમારત પરથી પડી જવાથી કે કૂદી જવાથી સાધકનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર તેમજ ગુપ્ત ભાગો પર ગંભીર ઈજાના નિશાન મળી આવતાં હત્યા કે મોટું કાવતરું હોવાની શંકાઓ ઘેરી બની છે.
ઘટનાના દિવસો વીતી ગયા હોવા છતાં આ મામલે સ્પષ્ટ ખુલાસો ન થતાં અને પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં ન આવતાં સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. મૃતકના પરિજનો અને અન્ય સાધકોના પરિવારજનોએ આશ્રમ બહાર એકઠા થઈ ભારે વિરોધ પ્રદર્શન કરી નિષ્પક્ષ તપાસની માંગ દોહરાવી હતી.
આ ઘેરાતા વિવાદ અને સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓ વચ્ચે 'શ્રી હિત રાધા કેલી કુંજ ટ્રસ્ટ' દ્વારા સત્તાવાર અપીલ જાહેર કરવામાં આવી છે. આશ્રમ ટ્રસ્ટે મૃતક સાધકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, પૂજ્ય મહારાજજી તથા સમગ્ર પરિકર આ દુઃખદ ઘટનાથી અત્યંત વ્યથિત છે. આશ્રમ પ્રશાસન પોલીસ અને વહીવટીતંત્રને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે જેથી સત્ય વહેલી તકે બહાર આવી શકે.
આ સાથે જ આશ્રમે તમામ ભક્તો અને લોકોને અપીલ કરી છે કે તપાસ પ્રક્રિયા ચાલુ હોવાથી કોઈ પણ અસમર્થિત વાતો કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આશ્રમ કે મહારાજજીની છબીને નુકસાન પહોંચાડે તેવા ખોટા પ્રચારથી બચવું. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવા અને મૃતકની ડાયરીના આધારે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
