<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

પુતિનના ગુપ્ત પ્રેમ સંબંધોનો પર્દાફાશ કરનાર પત્રકારનું રહસ્યમય મોત: 'ઝેરી મશરૂમ' ખાધા પછી થયું મોત

૬૯ વર્ષીય એડિટર ગ્રિગોરી નેખોરોશેવનું લાતવિયામાં શંકાસ્પદ સંજોગોમાં અવસાન

રીગા:  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અત્યંત ગુપ્ત રખાતી પર્સનલ લાઈફ અને તેમની કથિત ગર્લફ્રેન્ડનો પર્દાફાશ કરનારા વરિષ્ઠ રશિયન પત્રકાર ગ્રિગોરી નેખોરોશેવનું લાતવિયાની રાજધાની રીગામાં અત્યંત રહસ્યમય સંજોગોમાં અવસાન થયું છે. ૬૯ વર્ષીય નેખોરોશેવ છેલ્લા ૧૧ વર્ષથી રશિયા છોડીને લાતવિયામાં રાજકીય શરણાર્થી તરીકે દેશનિકાલ જીવન જીવી રહ્યા હતા. તેમના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર, નેખોરોશેવને તેમના ઘરના આંગણામાંથી કેટલાક મશરૂમ મળ્યા હતા, જેને ખાધા બાદ અચાનક તેમની તબિયત લથડી હતી અને ટૂંક સમયમાં જ તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં લેબોરેટરી પરીક્ષણમાં આ મશરૂમ અત્યંત ઝેરી હોવાનું સામે આવ્યું છે, જેણે પુતિનના વિરોધીઓની થતી રહસ્યમય હત્યાઓના ઈતિહાસને લઈને ફરી એકવાર વૈશ્વિક સ્તરે અનેક સવાલો ઊભા કર્યા છે.

ગ્રિગોરી નેખોરોશેવ રશિયાના પ્રખ્યાત અખબાર 'મોસ્કોવ્સ્કી કોરસપોન્ડન્ટ'ના મુખ્ય સંપાદક (ચીફ એડિટર) હતા. તેમણે વર્ષ ૨૦૦૮માં એક સનસનાટીભર્યો અહેવાલ પ્રકાશિત કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું, જેમાં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ પુતિન પોતાની પત્ની લ્યુડમિલાને છૂટાછેડા આપીને રશિયાની પ્રખ્યાત જિમ્નાસ્ટ એલિના કાબેવા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ પુતિન લાલચોળ થઈ ગયા હતા અને તેમણે જાહેર મંચ પરથી આ અહેવાલની આકરી નિંદા કરી હતી. આ વિવાદ એટલો વકર્યો કે રશિયન ગુપ્તચર એજન્સીઓએ નેખોરોશેવની આકરી પૂછપરછ શરૂ કરી દીધી અને થોડા જ દિવસોમાં અખબારના માલિક અને ભૂતપૂર્વ KGB જાસૂસ એલેક્ઝાન્ડર લેબેદેવને આ આખું અખબાર હંમેશા માટે બંધ કરી દેવાની ફરજ પાડવામાં આવી હતી.

તાજેતરમાં રશિયન ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન 'ડોઝિયર સેન્ટર' દ્વારા કરાયેલા ખુલાસા મુજબ, પુતિન અને એલિના કાબેવા બે પુત્રો (ઇવાન પુતિન અને વ્લાદિમીર પુતિન જુનિયર) ના માતા-પિતા પણ છે, જેઓ દુનિયાની નજરોથી દૂર અત્યંત ચુસ્ત સુરક્ષા વચ્ચે વૈભવી જીવન જીવી રહ્યા છે. પુતિન હંમેશાથી પોતાની અંગત જિંદગી અને બાળકોની માહિતી છૂપી રાખવા માટે જાણીતા છે, અને તેમની આ ગુપ્ત દુનિયા પર આંગળી ચીંધનારા પત્રકારો કે વિરોધીઓ અગાઉ પણ રહસ્યમય રીતે મોતને ભેટ્યા છે. આ જ કારણે, મુક્ત આકાશ નીચે આંગણામાં ઉગેલા સામાન્ય મશરૂમ ખાવાથી એક ધારદાર પત્રકારનું આ રીતે અચાનક ચાલ્યા જવું એ માત્ર એક અકસ્માત છે કે પછી રશિયન એજન્સીઓનું કોઈ નવું ગુપ્ત ઓપરેશન, તે રહસ્ય વધુ ઘેરૂ બન્યું છે.

(6:29 PM IST)