તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
ચિતગાંવમાં ભારતીય દૂતાવાસના અધિકારીનું રહસ્યમય મોત: બાથરૂમ પાસે મળી આવ્યો મૃતદેહ!
હરિયાણાના ૩૫ વર્ષીય સુરક્ષા પ્રોટોકોલ અધિકારી નરેન્દ્રના મોતથી હાઈ કમિશનમાં સન્નાટો : રૂમનો દરવાજો ન ખુલતા પોલીસે તોડવો પડ્યો : પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખુલશે મોતનું અસલી રહસ્ય.

ચિતગાંવ : બાંગ્લાદેશના ચિતગાંવમાં સ્થિત ભારતીય સહાયક હાઈ કમિશનની ઓફિસમાંથી મંગળવારે એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. હાઈ કમિશનમાં સુરક્ષા પ્રોટોકોલ અધિકારી તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષીય નરેન્દ્રનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મંગળવારે સવારે જ્યારે નરેન્દ્રએ લાંબા સમય સુધી પોતાના રૂમનો દરવાજો ન ખોલ્યો ત્યારે અન્ય અધિકારીઓએ પ્રયાસ કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા અંતે સ્થાનિક પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે રૂમમાં તપાસ કરતા જૂના વિઝા સેન્ટર બિલ્ડિંગના બીજા માળે ડેટા એન્ટ્રી રૂમના બાથરૂમ પાસે નરેન્દ્ર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, જેમને બાદમાં મૃત જાહેર કરાયા હતા.
હરિયાણાના રહેવાસી અને રામ નિવાસના પુત્ર નરેન્દ્રના આ અચાનક અવસાન પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ચિત્તાગોંગ મેટ્રોપોલિટન પોલીસ (CMP) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે રાત્રિના સમયે બાથરૂમ જતી વખતે કદાચ કોઈ અકસ્માત કે શારીરિક તકલીફને કારણે તેમનું મૃત્યુ થયું હશે. જોકે, હાઈ કમિશન જેવી અત્યંત સુરક્ષિત જગ્યાએ અધિકારીનું આ રીતે મોત થવું તે અનેક સવાલો ઉભા કરે છે. પોલીસે હાલમાં આ મામલે 'અકુદરતી મૃત્યુ' નો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતા નરેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચિત્તાગોંગ મેડિકલ કોલેજ હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ હાર્ટ એટેક જેવું કુદરતી કારણ હતું કે પછી તેની પાછળ કોઈ અન્ય પરિબળ જવાબદાર છે. તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને સન્માનપૂર્વક ભારતીય સહાયક હાઈ કમિશનના અધિકારીઓને સોંપવામાં આવશે, જેથી તેને વતન ભારત લાવી શકાય. આ ઘટનાએ વિદેશમાં કામ કરતા ભારતીય અધિકારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય બાબતે નવી ચર્ચા છેડી દીધી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
